Uttar Pradesh: હાથરસમાં ભોલે બાબાના સત્સંગમાં નાસભાગ, 27 લોકોના મોત, મૃત્યુઆંક વધવાની શક્યતા…
ઉત્તર પ્રદેશના હાથરસમાં સત્સંગ દરમિયાન ભાગદોડ મચી જવાથી 27 લોકોના મોતના સમાચાર સામે આવ્યા છે. આ સત્સંગનું આયોજન સિકંદરરાઃ ફુલરાઈના રતિભાનપુર ખાતે કરવામાં આવ્યું હતું. નાસભાગમાં ઘાયલ થયેલા લોકોને સામુદાયિક આરોગ્ય કેન્દ્રમાં લઈ જવામાં આવ્યા છે. અકસ્માતના પગલે સમગ્ર વિસ્તારમાં ભયનો માહોલ છે.
ફુલરાઈ ગામમાં ભોલે બાબાના સત્સંગનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં હજારોની સંખ્યામાં લોકો જોડાયા હતા. કાર્યક્રમ દરમિયાન જ ભક્તોમાં અચાનક નાસભાગ મચી ગઈ હતી. નાસભાગને કારણે 27 લોકોના મોત થયા છે. જ્યારે ઘાયલોને તાત્કાલિક સામુદાયિક આરોગ્ય કેન્દ્રમાં લઈ જવામાં આવ્યા છે, જ્યારે ગંભીર રીતે ઇજાગ્રસ્ત લોકોને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.
મુખ્યમંત્રીએ આપી આ સૂચના
યુપીના સીએમ યોગી આદિત્યનાથે આ ભયાનક અકસ્માતની નોંધ લીધી છે. તેમણે મૃતકોના પરિવારજનો અને ઘાયલો પ્રત્યે સંવેદના વ્યક્ત કરી છે. સીએમ યોગીએ તમામ અધિકારીઓને ઘટનાસ્થળે પહોંચીને તાત્કાલિક અસરથી રાહત કાર્યને ઝડપી બનાવવા સૂચના આપી છે. ઘાયલોને યોગ્ય સારવાર આપવા માટે પણ સૂચના આપવામાં આવી છે.
આઈજી શલભ માથુરે જણાવ્યું કે સત્સંગ કાર્યક્રમમાં જગ્યા ઓછી હતી પરંતુ ભીડ ઘણી હતી. જેના કારણે અનેક લોકોનો શ્વાસ રૂંધાઈ ગયો હતો અને નાસભાગ મચી ગઈ હતી. આ કારણે અનેક લોકોના મોત થયા છે. ઘાયલોની સારવાર માટે વ્યવસ્થા કરવામાં આવી રહી છે.
વધી શકે છે મૃતકોની સંખ્યા
અકસ્માતમાં મૃત્યુ પામેલાઓમાં 25 મહિલાઓનો સમાવેશ થાય છે અને 2 બાળકોના મોતની પુષ્ટિ કરવામાં આવી છે. આ મૃતદેહોને ઈટાહની હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા છે. કહેવામાં આવી રહ્યું છે કે મૃતકોની સંખ્યા વધી શકે છે. મોટાભાગે મહિલાઓ, વૃદ્ધો અને બાળકો સત્સંગમાં ભાગ લે છે. ઘાયલોમાં આ મોટા ભાગના છે.