ભાવનગર, ગુજરાત: ભાવનગર જિલ્લાના ઇતિહાસમાં સૌથી મોટી ગણાતી રેડમાં સિહોર પોલીસએ સિહોર નજીક સખવદર ગામની વાડી વિસ્તારમાં મસમોટું નશીલા માદક દ્રવ્યોનું વાવેતર ઝડપી પાડ્યું છે. દરોડા દરમિયાન આશરે 1100 કિલો લીલો ગાંજો તથા અફીણની ખેતી મળી આવી છે. પોલીસે અંદાજિત ₹10.5 કરોડ જેટલો મુદ્દામાલ કબ્જે લીધો છે.
શું છે સમગ્ર મામલો ?
સિહોર પોલીસને મળેલી બાતમીના આધારે ટીમે સખવદર ગામની વાડી વિસ્તારમાં દરોડો પાડ્યો. સ્થળ પર ગાંજા અને અફીણનું સુવ્યવસ્થિત અને મોટા પાયે વાવેતર ચાલી રહ્યું હતું. પોલીસએ સમગ્ર પાક કાપી કબ્જે લીધો અને કેસ દાખલ કર્યો.
બે ભાઈઓ ઝડપાયા
પ્રાથમિક તપાસમાં ગાંજાની ખેતી કરતા બંને ભાઈઓની ઓળખ થઈ અને પોલીસે બંનેની ધરપકડ કરી છે. આરોપીઓ સામે એન.ડી.પી.એસ. અધિનિયમ હેઠળ ગુનો નોંધાયો છે. આગળની તપાસમાં અન્ય કોઈ સંડોવણી છે કે નહીં તે દિશામાં પણ પૂછપરછ ચાલુ છે.
પોલીસનો સખત સંદેશ
આ કાર્યવાહી સાથે પોલીસએ નશીલા પદાર્થોના ગેરકાયદેસર વાવેતર અને વેપાર સામે સખત વલણ દર્શાવ્યું છે. જિલ્લાના ઇતિહાસમાં આ સૌથી મોટું જપ્તી ઓપરેશન માનવામાં આવી રહ્યું છે.







