રાજનીતિમાં આરોપ લગાવવા અને પછી એના પર પલટવાર થાય એ કોઈ નવી વસ્તુ નથી. પરંતુ છેલ્લા ધણા સમયથી ધર્મના નામે જે રાજનીતિ થઈ રહી છે તે ચરમસીમાં પર છે. આમ પણ નિવેદનબાજી કરવામાં નેતાઓ વર્લ્ડ રેકોર્ડ તોડે એમ છે. અમરેલીના સાવરકુંડલાની રાજનીતિ ગરમાઈ છે. કારણ કે ભાજપના ધારાસભ્ય મહેશ કસવાલાએ સુરતમાં એક નિવેદન આપ્યું જેના કારણે હવે કોંગ્રેસના નેતાઓ લાલઘૂમ થયા છે અને એક પછી એક પોતાના નિવેદનોરુપી ચાબખા ભાજપ પર અને ખાસ ધારાસભ્ય મહેશભાઈ પર વરસાવી રહ્યાં છે. લોકસભાની ચૂંટણી પહેલા અમરેલીની રાજનીતિ ગરમાઈ છે, સુરતના એક ધાર્મિક કાર્યક્રમમાં ભાજપના ધારાસભ્ય મહેશ કસવાલાએ વિવાદિત નિવેદન આપ્યું. મહેશ કસવાલાએ આડકતરી રીતે ભાજપના જ પૂર્વ ધારાસભ્યો અને સાંસદો પર સવાલો ખડા કર્યાં.
‘સાવરકુંડલામાં આતંકવાદી બનાવવાની ફેક્ટરી શરુ’
સુરતમાં એક જાહેર કાર્યક્રમમાં મહેશભાઈ સંબોધન કરી રહ્યાં હતા એ વખતે તેઓ બોલ્યા કે, સાવરકુંડલામાં અનેક કટ્ટરવાદી પ્રવૃતિઓ થતી હતી અને મારે એને આમાથી મુક્ત કરવુ હતું. મારા ચૂંટાયા પછી લોકો મને મળવા આવ્યા અને મહિલાઓ ચોધાર આંસુએ રડતી હતી. મે તેમને પીડામાંથી મુક્ત કરવાનુ કામ છે.રોડ સારો ન બને તો ચાલશે, ખેડૂતનું કામ નહીં થાય તો ચાલશે. 20 વર્ષના શાસની નિષ્ફળતાએ સાવરકુંડલાની અંદર આતંકવાદી ફેક્ટરીઓ બનાવવાનું શરુ કર્યું છે. આ ઉપરાંત મહુવા રોડ પર આવેલા સંકુલને લઈને પણ તેમણે નિવેદન આપ્યું હતું. જેને લઈને હવે કોંગ્રેસના ધારાસભ્યો તેના પર વરસી પડ્યાં છે. મહેશભાઈ શું બોલ્યા હતા એ સાંભળો
સાવરકુંડલાનાં સન્માનનીય ધારાસભ્ય મહેશ કસવાલાએ એક સમાજની લાગણી દુભાય તેવા શબ્દોનો પ્રયોગ કર્યો તે નિંદાને પાત્ર છે.જાહેર T.V ડિબેટમાં નૈતિકતાની દંભી વાતો કરતા ધારાસભ્ય સાહેબ પ્રજાને પોતાના પ્રવચનનું રેકોર્ડિંગ નહિ કરવાનું જણાવી એક જવાબદાર ધારાસભ્ય દ્વારા ઝેર ઓકતા સાવરકુંડલાના મહાન pic.twitter.com/E8N0lQ0cGq
— Gyasuddin Shaikh (@Gyasuddin_INC) July 27, 2023
કોંગ્રેસે કહ્યું મહેશભાઈ માફી માંગે
મહેશભાઈના નિવેદનને લઈને કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય ગ્યાસુદ્દીન શેખે મહેશભાઈ માફી માંગે તેવુ ટ્વિટ કર્યું છે. એ ટ્વિટમાં ગ્યાસુદ્દીન શેખે લખ્યું છે કે, સુફી સંત દાદા બાપુ દ્વારા ગરીબ,અનાથ બાળકોને શિક્ષણ આપતી S M G K શૈક્ષણિક સંસ્થાને આતંકવાદની ફેક્ટરી તરિકેનું સંબોધન કરવું તે તેમની વિકૃત ઝેરી વિચારઘારાનું પ્રતિક છે.લાગણી દુભાવવા બદલ ધારાસભ્યએ માફી માંગવી જોઈએ એવી અમારી માંગ છે.સાથે ગ્યાસુદ્દીન શેખે કરેલા ઠગલા બંધ ટ્વિટમાંથી અન્ય એક ટ્વિટમાં તેમણે લખ્યું હતું કે, સાવરકુંડલાનાં સન્માનનીય ધારાસભ્ય મહેશ કસવાલાએ એક સમાજની લાગણી દુભાય તેવા શબ્દોનો પ્રયોગ કર્યો તે નિંદાને પાત્ર છે.જાહેર T.V ડિબેટમાં નૈતિકતાની દંભી વાતો કરતા ધારાસભ્ય સાહેબ પ્રજાને પોતાના પ્રવચનનું રેકોર્ડિંગ નહિ કરવાનું જણાવી એક જવાબદાર ધારાસભ્ય દ્વારા ઝેર ઓકતા સાવરકુંડલાના મહાન
‘મહેશભાઈનું માનસિક સંતુલન ઠીક નથી’
તો બીજી તરફ કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય પ્રતાપ દૂધાતે તો મહેશભાઈનું માનસિક સંતુલન ખરાબ હોવાનું પણ નિવેદન આપી દીધુ. એક વીડિયોના માધ્યમથી પોતાની પ્રતિક્રિયા આપતા પ્રતાપ દૂધાતે કહ્યું કે, સાવરકુંડલાના ધારાસભ્યશ્રી આપે સુરતમાં એક નિવેદન આપ્યું કે, છેલ્લા 20 વર્ષથી સાવરકુંડલાના રાજકીય આગેવાનો નિષ્ફળ રહ્યાં છે. પણ મને એવુ લાગે છે કે તમે તમારુ માનસિક સંતુલન ગૂમાવી દીધુ છે . તમને કોઈ માનસિક બિમારી લાગે છે. છેલ્લા 20 વર્ષમાંથી છેલ્લા 5 વર્ષ હુ ધારાસભ્ય તરીકે રહ્યો છુ. એ પહેલા પાંચ વર્ષ માટે સ્વર્ગસ્થ વી.વી.વઘાસિયા સાહેબ હોય કે 10 વર્ષ કે 15 વર્ષ માટે કાળુભાઈ વિરાણી હોય જે ભાજપના ધારાસભ્ય હતા. છેલ્લા 15 વર્ષથી નારણભાઈ કાછડીયા જનપ્રતિનિધિ તરીકે સાંસદ પદે રહ્યાં છે. ત્યારે ખોટી નિવેદનબાજી કરી તમે સંસ્થાઓને આંતકવાદીઓ સાથે ગણાવી છે. હુ તમને પુછવા માગુ છુ કે તમે એવુ નિવેદન આપી રહ્યાં છો કે ખેડૂતોના પ્રશ્નો હલ નહી થાય તો ચાલશે પણ આવી પ્રવૃતિને હુ દૂર કરવા આવ્યો છું. તો છેલ્લા 27 વર્ષથી તમારી સરકાર છે અને જો કુંડલામાં આતંકવાદી પ્રવૃતિ ચાલતી હોય તો શું તમારી સરકાર કુંભકર્ણની નિંદ્રામાં સુતી હતી.આવી ખોટી નિવેદનબાજી કરી વૈમનસ્ય ઉભા થાય એવા પ્રયત્નો ન કરવા જોઈએ. તમારા આ નિવેદનને હું સખત શબ્દોમાં વખોડુ છું. અને ખેડૂતના કામ નહીં થાય તો ચાલશે પણ એ બિલકુલ ચલાવી લેવામાં નહીં આવે.. તમને ખેડૂતોએ મત આપ્યા છે. તમે ભલે અમદાવાદથી આવ્યા હોય પણ ખેડૂતોના પ્રશ્નો મુદ્દે તમારે જાગૃત રહેવુ પડે છે. ખાતરનો પ્રશ્ન હોય કે પાકવિમાનો પ્રશ્ન હોય તેના વિશે વાત કરું. આતંકવાદી જેવી પ્રવૃતિનું નિવેદન આપી તમે તમારી માનસિક બિમારી છતી કરી છે. સરકારને હુ વિનંતી કરુ છું કે તમારી માનસિક બિમારી સુધારે . તમે સ્વસ્થ થઈ જાવ પછી કુંડલા પધારજો હુ તમારી સાથે આવીશ અને જો કોઈ સંસ્થામાં આતંકવાદી પ્રવૃતિ ચાલતી હશે તો આપણે દૂર કરીશું. પણ ખેડૂતોના પ્રશ્ને આપ બોલો એવી વિનંતી કરુ છુ.







