વડોદરાઃ રાજ્યમાં અસામાજિક તત્વો બેફામ બન્યા છે. આવી જ એક ઘટના વડોદરા શહેરમાં સામે આવી છે. જ્યાં ભાજપના કાર્યકર પર કેટલાક અસામાજિક તત્વોએ હિંચકારો હુમલો કર્યો છે. આ હુમલાની ઘટનામાં ભાજપના કાર્યકર સચિન ઠક્કરનું કરુણ મોત થયું છે. તો અન્ય એક વ્યક્તિને માથાના ભાગે ગંભીર ઈજાઓ થતા તે બેભાન અવસ્થામાં સારવાર હેઠળ છે.

જૂની અદાવતમાં ભાજપનાં કાર્યકર સચિન ઠક્કર તેમજ પ્રિતેશ પટેલ પર બે દિવસ પહેલા રાત્રીનાં સમયે કેટલાક અસામાજીક તત્વો દ્વારા હુમલો કરવામાં આવ્યો હતો. ત્યારે અસામાજીક તત્વો દ્વારા સચિન ઠક્કરને માથાનાં ભાગે હોકી તેમજ બેઝબોલનાં ફટકા બે શખ્શો મારી રહ્યા હતા. ત્યારે સમગ્ર ઘટનાનો વીડિયો પણ વાયરલ થયો હતો. ગોત્રી પોલીસે વાયરલ વીડિયોનાં આધારે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

સારવારમાં જ ભાજપના કાર્યકરે તોડ્યો દમ
સચિન ઠક્કર તેમજ પ્રિતેશ પટેલને માથાનાં ભાગે ગંભીર ઈજાઓ થતા બંનેને સારવાર અર્થે હોસ્પિટલ લઈ જવામાં આવ્યા હતા. જ્યાં સારવાર દરમિયાન સચિન ઠક્કરનું મૃત્યુ થયું હતું. જ્યારે પ્રિતેશને માથાનાં ભાગે ગંભીર પ્રકારની ઈજાઓ થતા હાલ તે બેભાન અવસ્થામાં સારવાર હેઠળ છે.

વીડિયોના આધારે આરોપી ઝડપાયા
હુમલાની આ સમગ્ર ઘટનાનો વીડિયો વાયરલ થતા પોલીસે વીડિયોનાં આધારે ત્રણ શખ્શોની ધરપકડ કરી હતી. જેમાં પોલીસે પાર્થ બાબુલ પરીખ રહે. ગંગોત્રી એપાર્ટમેન્ટ, વાસિપ ઉર્ફે સાહિલ ઈકબાલ અજમેરી રહે. નાગરવાડા, સૈયદપુરા, વડોદરા તેમજ વિકાસ લોહાણા રહે. વ્હાઈટ વુડાના, વડોદરા સામે હત્યાનો ગુનો દાખલ કર્યો હતો.

પોલીસ કોન્સ્ટેબલને કરાયો સસ્પેંડ
સચિન ઠક્કર તેમજ પ્રિતેષ ઠક્કરને વાહન પાર્કિગ જેવી નજીવી બાબતે કેટલાક અસામાજીક તત્વો સાથે બોલાચાલી થયા બાદ પ્રિતેષ ઠક્કરે ગોત્રી પોલીસ મથકે અરજી પણ આપી હતી. ત્યારે આ અરજી સંદર્ભે ગોત્રી પોલીસ સ્ટેશનનાં પોલીસ કોન્ટેબલ પ્રવિણભાઈ ધુળાભાઈને સમગ્ર કેસની તપાસ સોંપવામાં આવી હતી. પરંતું કોન્સ્ટેબલ દ્વારા કોઈ પણ જાતની કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં ન આવી ન હતી. ફરજમાં બેદરકારી દાખવવા બદલ કોન્સ્ટેબલ પ્રવિણભાઈ ધુળાભાઈને સસ્પેન્ડ કરી તેઓની સામે ખાતાકીય તપાસ હાથ ધરી છે.