પાકિસ્તાનના બલૂચિસ્તાન પ્રાંતના ક્વેટા રેલ્વે સ્ટેશન પર શનિવારે (9 નવેમ્બર 2024) એક જોરદાર વિસ્ફોટ થયો હતો, જેમાં 24 લોકોના મોત થયા હતા અને 40 થી વધુ લોકો ઘાયલ થયા હતા. હવે આ બ્લાસ્ટનો એક ભયંકર વીડિયો સામે આવ્યો છે. સ્પુટનિક ઈન્ડિયાએ X પર પોસ્ટ કરીને આ બોમ્બ વિસ્ફોટનો CCTV વીડિયો બતાવ્યો છે. કહેવામાં આવી રહ્યું છે કે તેનું નિશાન પાકિસ્તાની સેના હતી.

આ ઘટના બાદ બોમ્બ ડિસ્પોઝલ સ્ક્વોડ અને સ્થાનિક પોલીસની ટીમ ઘટનાસ્થળે પહોંચી ગઈ છે અને મામલાની તપાસ શરૂ કરી છે. સમાચાર એજન્સી પીટીઆઈના અહેવાલ મુજબ, બલૂચ લિબરેશન આર્મી (બીએલએ) એ આ હુમલાની જવાબદારી લીધી છે. આ વિસ્ફોટ રેલવે સ્ટેશનની બુકિંગ ઓફિસમાં થયો હતો.

અધિકારીઓએ જણાવ્યું હતું કે બ્લાસ્ટથી પ્લેટફોર્મની છતને પણ નુકસાન થયું હતું અને વિસ્ફોટનો અવાજ શહેરના વિવિધ વિસ્તારોમાં દૂર દૂર સુધી સંભળાયો હતો. બલૂચિસ્તાનના મુખ્ય પ્રધાન સરફરાઝ બુગતીએ હુમલાની નિંદા કરી, તેને નિર્દોષ નાગરિકોને નિશાન બનાવવાનું ભયાનક કૃત્ય ગણાવ્યું અને તાત્કાલિક તપાસનો આદેશ આપ્યો.

24 લોકોના મોત થયા છે અને ઘણા ઘાયલ થયા 
તેમણે કહ્યું કે આતંકવાદીઓ નાગરિકો, મજૂરો, મહિલાઓ અને બાળકોને નિશાન બનાવી રહ્યા છે. બુગતીએ કહ્યું કે આ હુમલાઓ માટે જવાબદાર લોકો સામે કડક કાર્યવાહી કરવામાં આવશે.બલૂચિસ્તાનના પોલીસ મહાનિરીક્ષક મૌઝમ જાહ અંસારીએ જણાવ્યું હતું કે વિસ્ફોટમાં અત્યાર સુધીમાં 24 લોકો માર્યા ગયા છે. રોઇટર્સના અહેવાલ મુજબ, તેમણે કહ્યું, “આ હુમલાનું નિશાન ઇન્ફન્ટ્રી સ્કૂલના સૈનિકો હતા. ઘાયલોમાં ઘણાની હાલત નાજુક છે.” તેમણે કહ્યું કે પેશાવર જતી એક્સપ્રેસ તેના ગંતવ્ય માટે રવાના થવાની હતી ત્યારે રેલ્વે સ્ટેશનની અંદર વિસ્ફોટ થયો હતો.