ભારે વરસાદને પગલે ખંભાળિયામાં ઇમારત જમીનદોસ્ત, 3 ના મોત…
રાજ્યમાં જામનગર, દ્વારકા, સુરત અને વડોદરામાં ભારે વરસાદના પગલે તારાજીના દ્રશ્યો સામે આવ્યા છે. અનેક વિસ્તારો પાણીમાં ગરકાવ થયા છે. આ દરમિયાન દેવભૂમિ દ્વારકાના ખંભાળિયાના રાજરા રોડ પર મકાન ધરાશાયી થવાનો મામલો સામે આવ્યો છે. મકાન ધરાશાયી થતા કાટમાળમાં ફસાયેલા 3 લોકોના મોત થયા છે.
ખંભાળિયા શહેરના હાર્દ સમા મેઈન બજાર વિસ્તારમાં આવેલા રાજડા રોડ (ગગવાણી ફળી) સ્થિત એક જુના અને જર્જરિત મકાનનો કેટલોક ભાગ ગઈકાલે મંગળવારે સાંજે જમીનદોસ્ત થઈ જતા આ મકાનમાં ફસાયેલા સાત જેટલા વ્યક્તિઓ પૈકી એક વૃદ્ધા તેમજ બે બહેનોને બચાવવા માટે તંત્ર દ્વારા મોડી સાંજ સુધી રેસ્ક્યૂ ઓપરેશન કરવામાં આવ્યું હતું. ત્રણેય લોકોને બચાવવા 6 કલાકથી વધુ સમય રેસ્ક્યૂ ઓપરેશન ચાલ્યું હતુ.રેસ્ક્યૂ માટે NDRFની ટીમ પણ બોલાવાઈ હતી. સ્થાનિક તંત્ર, ફાયર વિભાગની ટીમ પણ રેસ્ક્યૂ કામગીરીમાં લાગી હતી. જર્જરિત મકાન ધરાશાયી થતાં અફરાતફરીનો માહોલ જોવા મળ્યો હતો.
ખંભાળિયાના ટ્રાફિકથી વ્યસ્ત એવા મેઈન બજાર નજીક રાજડા રોડ (ગગવાણી ફળી) વિસ્તારમાં આવેલા એક મુંબઈ સ્થિત ભાટીયા સદગૃહસ્થના માલિકીના આશરે 125 વર્ષ જૂના મકાનમાં એક દલવાડી પરિવારના 11 જેટલા સભ્યો રહેતા હતા. ગઈકાલે મંગળવારે સાંજે આશરે પાંચેક વાગ્યાના સમયગાળા દરમિયાન હાલ અવિરત વરસાદના કારણે જર્જરિત બની ગયેલા આ રહેણાંક મકાનની પાછળનો બે માળનો ભાગ ધડાકાભેર જમીન દોસ્ત થઈ ગયો હતો.
વડોદરાના 5 ગામો સંપર્ક વિહોણા
વડોદરામાં ભારે વરસાદને પગલે જનજીવન અસ્તવ્યસ્ત થયું છે. આ દરમિયાન વસેલથી આશા ગામ જવાના માર્ગ બંધ થયો છે. માર્ગ બંધ થતાં 5 ગામોનો સંપર્ક તૂટ્યો છે. વડોદરાના ભગાપુરા,આશાપુરા,હિમતપુરા, વસવેલ ગામનો સંપર્ક તૂટયો છે. વડોદરામાં વેહલી સવાર થી જ ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. ત્યારે ભારે વરસાદને પગલે નીચાણવાળા ગામોને અસર થઈ છે.







