ગુજરાતની આ બેઠક સહિત 47 બેઠકો પર પેટાચૂંટણી જાહેર, 13 નવેમ્બરે યોજાશે મતદાન

ભારતના ચૂંટણી પંચે 15 રાજ્યોની 48 વિધાનસભા બેઠકો અને વાયનાડ અને નાંદેડ લોકસભા બેઠકો માટે પેટાચૂંટણીની તારીખોની જાહેરાત કરી છે. યુપીની 9 બેઠકો સહિત 14 રાજ્યોની 47 વિધાનસભા બેઠકો માટે 13 નવેમ્બરે મતદાન થશે. કેરળની વાયનાડ લોકસભા સીટ પર પેટાચૂંટણી માટે પણ 13 નવેમ્બરે મતદાન થશે. તે જ સમયે, ઉત્તરાખંડની કેદારનાથ વિધાનસભા બેઠક અને મહારાષ્ટ્રની નાંદેડ લોકસભા બેઠક પર 20 નવેમ્બરે પેટાચૂંટણી યોજાશે. તમામ વિધાનસભા અને લોકસભા બેઠકોની પેટાચૂંટણીના પરિણામો 23 નવેમ્બરે જાહેર કરવામાં આવશે. જેમાં ગુજરાતમાં ખાલી પડેલી વાવ વિધાનસભાની ચૂંટણી પણ જાહેર કરવામાં આવી છે.

વાવ વિધાનસભા બેઠક પરથી વર્ષ 2022ની ચૂંટણીમા ગેનીબેન ઠાકોરે જીત મેળવી હતી. ત્યારે બીજી તરફ વર્ષ 2024ની લોકસભાની ચૂંટણીમાં ગેની બેન ઠાકોરે જીત મેળવી હતી. ત્યારે હવે ખાલી પડેલી વિધાનસભાની બેઠક પર પેટા ચૂંટણી જાહેર કરવામાં આવી છે. વાવ વિધાનસભાની બેઠક પર 13 નવેમ્બરે પેટાચૂંટણી યોજાશે. ભાજપ અને કોંગ્રેસ માટે આ પેટાચૂંટણી ખરાખરીનો જંગ સાબિત થશે.

જાણો ચૂંટણી કાર્યક્રમ 

નોટિફિકેશન: 18 ઓક્ટોબર

નામાંકનની છેલ્લી તારીખ: 25 ઑક્ટોબર

નામાંકન પત્રોની ચકાસણી: 28 ઑક્ટોબર

નામાંકન પાછું ખેંચવું: 30 ઑક્ટોબર

મતદાન: 13 નવેમ્બર

મતગણતરી: 23 નવેમ્બર