ટ્રેઇની ડોક્ટર રેપ-મર્ડર કેસ મામલે કોલકત્તા હાઈકોર્ટનો મોટો નિર્ણય, તપાસ CBI કરશે
કોલકાતા હાઈકોર્ટે આરજી મેડિકલ કોલેજના ટ્રેઈની ડોક્ટર પર દુષ્કર્મ અને હત્યાની સીબીઆઈ તપાસનો આદેશ આપ્યો છે. હાઈકોર્ટે તાત્કાલિક તમામ દસ્તાવેજો સીબીઆઈને સોંપવા જણાવ્યું છે. આ દરમિયાન હાઈકોર્ટે મેડિકલ કોલેજના પ્રિન્સિપાલને અન્ય કોલેજના પ્રિન્સિપાલ બનાવવા માટે પશ્ચિમ બંગાળ સરકારને ભીંસમાં લીધી છે.
કલકત્તા હાઈકોર્ટે મેડિકલ કોલેજના પ્રિન્સિપાલને પોતાની જાતે રજા પર જવા કહ્યું, નહીં તો કોર્ટ આદેશ આપશે. સુનાવણી દરમિયાન હાઈકોર્ટે સવાલ પૂછ્યો છે કે જ્યારે એક વિદ્યાર્થીનું મોત થયું હતું તો તે કેસમાં પ્રિન્સિપાલ દ્વારા કોઈ ફરિયાદ કેમ ન કરાઈ? આ શંકાને જન્મ આપે છે.
સીબીઆઈને કેસ સોંપવામાં વિલંબ ઘાતક સાબિત થશે
ન્યૂઝ એજન્સી ANI સાથે વાત કરતા, એડવોકેટ બિલાવદલ ભટ્ટાચાર્યએ જણાવ્યું હતું કે, “…મુખ્યમંત્રી મમતા બેનર્જીએ નિવેદન આપ્યું હતું કે તેમને કેસ CBIને સોંપવામાં કોઈ વાંધો નથી, પરંતુ આ ચોક્કસ સમયગાળો પૂરો થયા પછી, અમે કહીએ છીએ કે આ વિલંબ ખૂબ જ ઘાતક હશે કારણ કે હાઇકોર્ટે પણ પક્ષકારોની દલીલો સાંભળી હતી.
પોલીસની બેદરકારી હતી – બિલવદલ ભટ્ટાચાર્ય
એડવોકેટ બિલવદલ ભટ્ટાચાર્યએ વધુમાં જણાવ્યું હતું કે મેં મારા અસીલો વતી દલીલ કરી હતી કે આ જઘન્ય હત્યા છતાં લાશ આટલી લોહીલુહાણ હાલતમાં અને અર્ધ નગ્ન હોવા છતાં પોલીસ આત્મહત્યાનો કેસ નોંધવામાં બેદરકારી દાખવી રહી છે. જેના કારણે પોલીસે કેસ નોંધવામાં અને પછી કોઈની ધરપકડ કરવામાં ઘણો સમય લીધો. તેથી, પોલીસનું વલણ કેટલું બેદરકાર હતું તે બતાવવા માટે આ પૂરતું હતું.
મૃતકના માતા-પિતાની સુરક્ષા માટે જરૂરી પગલાં લેવામાં આવશે
તેમણે કહ્યું કે અમે હાઈકોર્ટના આભારી છીએ કે આ કેસ હવે સીબીઆઈને સોંપવામાં આવ્યો છે. અમે પણ ઇચ્છીએ છીએ કે કોર્ટ તપાસ પર નજર રાખે. જો કે, હવે હાઈકોર્ટે પણ સીબીઆઈને સમયાંતરે રિપોર્ટ દાખલ કરવાનો નિર્દેશ આપ્યો છે. જો મૃત છોકરીના માતા-પિતાને ખતરો લાગે છે, તો સીબીઆઈએ હંમેશા તેમને સાક્ષી સુરક્ષા યોજના હેઠળ રક્ષણ આપવા માટે તમામ જરૂરી પગલાં લેવા જોઈએ.
દેશભરમાં હડતાળનું એલાન
FAIMA (ફેડરેશન ઓફ ઓલ ઈન્ડિયા મેડિકલ એસોસિએશન) એ મંગળવાર, 13 ઓગસ્ટથી દેશવ્યાપી હડતાળની જાહેરાત કરી હતી. જેમાં દેશભરમાં ઓપીડી સેવાઓ બંધ રાખવા જણાવાયું હતું. જો કે આ પહેલા FORDA (ફેડરેશન ઓફ ઓલ ઈન્ડિયા રેસિડેન્ટ ડોક્ટર્સ એસોસિએશન)એ પણ દેશભરમાં હડતાળ પાડવાની જાહેરાત કરી હતી.