રાજ્યમાં ચાંદીપુરા વાયરસે લોકોને ચિંતામાં મૂક્યા છે.  સામાન્ય રીતે 14 વર્ષની ઉમર સુધીના બાળકોને થતા ચાંદીપુરાના કુલ શંકાસ્પદ કેસનો આંક આજે વધીને 27 થઈ ગયો છે જ્યારે 5 બાળકના મોત થયા છે. આ સાથે જ રાજ્યમાં છેલ્લા 5 દિવસમાં ચાંદીપુરાથી મૃત્યુઆંક વધીને 15 સુધી પહોંચ્યો છે.  15 મૃતકોમાંથી 14 ગુજરાતના છે અને 1 દર્દી રાજસ્થાનના ઉદયપુરનું છે. ચાંદીપુરના વધતા કેસને પગલે હેલ્થ એજન્સીઓ સક્રિય થઇ ગઇ છે.

ગુજરાતમાં ચાંદીપુરા વાયરસનો કહેર વધી રહ્યો છે. અત્યાર સુધીમાં રાજ્યમાં ચાંદીપુરાના શંકાસ્પદ 27 કેસ નોંધાયા છે. જેમાંથી 14ના મોત થયા છે. ચાંદીપુરાના સૌથીવધુ શંકાસ્પદ કેસ સાબરકાંઠા અને અરવલ્લી જિલ્લામાં નોંધાયા છે. બન્ને જિલ્લામાં 4-4 કેસ નોંધાયા છે. ગુજરાતમાં નોંધાયેલા ચાંદીપુરાના શંકાસ્પદ 27 કેસમાંથી 24 કેસ ગુજરાત રાજ્યના છે. જ્યારે 3 કેસ અન્ય રાજ્યમાંથી ગુજરાતમાં સારવારઅર્થે આવેલ છે. ચાંદીપુરાના શંકાસ્પદ કેસ ગુજરાતના 12 જિલ્લાઓમાં નોંધાયેલા છે.

ચાંદીપુરા વાયરસથી મૃત્યુ પામેલ બાળકીના ઘર પાસે મળી આ માખી 

ગોધરા તાલુકાના કોટડા ગામે ચાંદીપુરા વાયરસથી બાળકીના થયેલા મોત બાદ તંત્રે હાથ ધરેલ સર્વેલન્સની કામગીરીમાં મૃતક બાળકીના ઘરની આસપાસના મકાનોમાંથી ચાંદીપુરા વાયરસ ફેલાવતી સેન્ડ ફ્લાય નામની 19 માખીઓ મળી આવી છે. જ્યારે મૃતક બાળકીના ઘરમાંથી ચાર સેન્ડ ફ્લાય માખીઓ મળી આવી છે. તમામ 19 માખીઓને પરીક્ષણ માટે પુનાની લેબોરેટરીમાં મોકલાઈ છે. આરોગ્ય વિભાગ દ્વારા કોટડા ગામમાં સેન્ડ ફ્લાય માખીઓ મળી આવેલા મકાનોમાં તિરાડો પુરવા તેમજ દવા છંટકાવની પણ કામગીરી હાથ ધરી છે.

રાજ્ય સરકાર આવી એક્શન મોડમાં
ચાંદીપુરાનું સંકટ સામે સરકાર એક્શનમાં છે. 10 હજારથી વધુ ઘરોમાં 51,724 લોકોના આરોગ્યની તપાસ કરવામાં આવી છે. 3,567 કાચા ઘરો સહિતના વિસ્તારમાં પાવડરનો છંટકાવ કરાયો છે. વીડિયો કોન્ફરન્સ દ્વારા સતત પરિસ્થિતિનું મોનિટરિંગ થઇ રહ્યુ છે. રોગચાળાને અટકાવવા માટે ગાઇડલાઇન જાહેર કરાઇ છે. દરેક કેસનું રેપિડ રિસપોન્સ ટીમ દ્વારા તપાસ કરાઇ છે. સંક્રમિત કેસો મળ્યા ત્યાં લોકજાગૃતિના કાર્યક્રમો કરાયા છે. 14 જિલ્લાઓમાં ખાસ તકેદારી, અન્ય જિલ્લામાં સતર્કતા રાખવામાં આવી રહી છે. મોટી હોસ્પિટલોમાં સંક્રમિત દર્દી માટે ખાસ વ્યવસ્થા કરવામાં આવી છે. દરેક કેસના સેમ્પલ પુણેની લેબમાં તપાસ માટે મોકલાયા છે.