ગાંધીનગરઃ એન.સી.ઈ.આર.ટી. દ્વારા તા. ૨૦ તથા ૨૧ જાન્યુઆરીના રોજ ‘ટૉય એન્ડ ગેમ્સ ટુ પ્લે, મેક એન્ડ લર્ન’ પર આંતરરાષ્ટ્રીય વેબિનારનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં ચિલ્ડ્રન્સ યુનિવર્સિટીના માનનીય કુલપતિ શ્રી હર્ષદભાઈ શાહે બીજરૂપ વક્તવ્યમાં જણાવ્યું હતું કે, ગીત-વાર્તા-રમતો અને રમકડાં એ બાળકોના વિકાસ માટેનાં શ્રેષ્ઠ માધ્યમ છે. કુલપતિશ્રીએ કહ્યું હતું કે, સમગ્ર દેશમાં સૌથી પહેલા ચિલ્ડ્રન્સ યુનિવર્સિટીમાં વર્ષ ૨૦૨૦માં ટૉય ઇનોવેશન વિભાગ શરૂ કરવામાં આવ્યો હતો. જેમાં ટૉય ઇનોવેશન, ડિઝાઇનિંગ સહિતની કામગીરી હાલ ચાલે છે. યુનિવર્સિટીમાં ટૉય હાઉસ બન્યું છે. જેમાં ૩ વર્ષથી લઈને ૭૦ વર્ષ સુધીના લોકો માટે ૪૫૦થી વધુ રમતો છે. દુનિયાભરમાં રમકડાંના માર્કેટ સામે ભારતની સ્થિતિ રજૂ કરતાં તેમણે કહ્યું હતું કે, દુનિયામાં રમકડાનું માર્કેટ વાર્ષિક આશરે ૯ લાખ કરોડ રૂપિયાથી વધુનું છે. તેની સામે ભારતનો હિસ્સો માત્ર ૧૧ હજાર કરોડ છે. જે સમગ્ર વિશ્વના ૧.૧૫ ટકા જેટલો પણ માંડ થાય છે. તેમણે કહ્યું હતું કે, ભારતમાં રમકડાં ઉત્પાદનના ૪૦૦૦ જેટલા યુનિટ છે. જે મોટા ભાગના અસંગઠિત છે. આથી રમકડાં ઉદ્યોગને પ્રોત્સાહન આપવું જોઈએ. કુલપતિશ્રીએ બાળવિકાસ પર રમકડાંનો પ્રભાવ દર્શાવતાં કહ્યું હતું કે, રમકડાંથી રમતાં રમતાં બાળકોમાં સંગઠનભાવ, દેખભાળના ગુણ વિકસે છે, નિર્ણય લેવાની ક્ષમતા વધે છે. સમસ્યાઉકેલ માટેની નવી રચનાત્મક પદ્ધતિઓ તેઓ શીખે છે. રમતમાં હારને પચાવતાં શીખે છે અને જીતવાનો જુસ્સો પણ કેળવાય છે. બાળકો રમકડાંના માધ્યમથી ગણિત, વિજ્ઞાન, ઐતિહાસિક વારસો, એસ્ટ્રોફિઝિક્સ સહિતના અનેક વિષયોનું જ્ઞાન મેળવી શકે છે. બાળકોની તાર્કિક ક્ષમતા, ગ્રહણશીલતા, અવલોકનશક્તિ વધે છે. રમકડાંથી બાળકોને મોબાઇલના વળગણ-આદતથી દૂર રાખી શકાય, અનૌપચારિક શિક્ષણ આપી શકાય છે. આ વેબિનારમાં એન.સી.ઈ.આર.ટી.ના ડાઈરેક્ટર પ્રો. શ્રીધર વાસ્તવ, કેન્દ્ર સરકારના રાજ્યકક્ષાના શિક્ષણમંત્રી પ્રો. રાજકુમાર રંજનસિંઘ, કેન્દ્રના સ્કૂલ એજ્યુકેશન અને લિટરસીના સેક્રેટરી અનિતા કરવલ સહિત દેશભરમાંથી અનેક વિદ્વાનો જોડાયા હતા.