દેશમાં કોરોનાનો ફરી પગપસારો..!! કેસની સંખ્યા વધતા દેશભરનુ આરોગ્યતંત્ર એલર્ટ….
દક્ષિણના રાજયોમાં અને તે બાદ બે દિવસ પહેલા ગાંધીનગરમાં કેરળથી આવેલ બે મહિલા કોરોના સંક્રમિત જાહેર થતા સરકાર સતર્ક બની છે. ત્યારે રાજકોટમાં પણ પર વર્ષના મહિલાનો કોરોના રીપોર્ટ પોઝીટીવ આવતા આરોગ્ય તંત્ર તપાસમાં દોડયું છે. હાલ કોઇ ખતરાની વાત નહીં હોવા છતાં પૂરા સૌરાષ્ટ્રમાં આરોગ્ય અને હોસ્પિટલ તંત્રોને સરકારે એલર્ટ રહેવા જણાવ્યું છે.
અમદાવાદમાં કોરોનાના નવા ફરી ૬ કેસ નોંધાયા છે. એકટીવ કેસની સંખ્યા ૧૨ થઈ ગઈ છે. નવા કોરોનાના કેસ વધતા તંત્રમાં પણ દોડધામ મચી ગઈ છે. એક બાદ એક નવા કેસ નોંધાઈ રહ્યા છે.
રાજકોટ શહેરમાં શરદી-ઉધરસના ગંભીર લક્ષણોવાળા દર્દીઓના કોરોના ટેસ્ટીંગ રેન્ડમ શરૂ કરવામાં આવ્યા છે. આરોગ્ય કેન્દ્રોમાં તમામ સુવિધા ઉભી કરાઇ છે. તો કલેકટર અને જિલ્લા પંચાયતની સૂચનાથી સિવિલ હોસ્પિટલથી લઇ પાલિકા અને તાલુકા કક્ષાએ પણ જરૂરી સમીક્ષાઓ કરવામાં આવી છે. કોરોનાની ખતરનાક લહેર વખતે ઓકસીજન સહિતના પ્રશ્નો ઉભા થયા હતા. આ તમામ સુવિધાની ચકાસણી કરવામાં આવી રહી છે. સાથે જ લોકોને સાવચેત રહેવા અને માસ્ક પહેરવા મનપા તંત્રએ અપીલ કરી છે..
કેન્દ્ર સરકારે તમામ રાજયો સાથે ઓનલાઇન મીટીંગ કરી હતી. તે બાદ રાજય, જિલ્લા અને મહાનગરોને સંભવિત કોરોનાની ચિંતા સામે સ્વસ્થ રીતે સતર્ક બનવા સૂચનાઓ આપવામાં આવી છે. લોકોને સાવચેત રહેવા અને માસ્ક પહેરવા માટે અપીલ પણ કરવામાં આવી છે