રંગીલા સીટી તરીકે ઓળખાતા રાજકોટમાં હવે ક્રાઈમની ઘટનાઓમાં પણ દિવસે ને દિવસે વધારો થવા લાગ્યો છે ત્યારે વધુ એક ડબલ મર્ડરની ઘટના સામે આવી છે. મળતી વિગતો અનુસાર ડબલ મર્ડર ની ઘટના શહેરના થોરાળા પોલીસ સ્ટેશન વિસ્તારની છે જ્યાં બે પરપ્રાંતીય મજૂરોના મૃતદેહ મળ્યા બાદ આ ઘટના પ્રકાશમાં આવી હતી.
રાજકોટના થોરાળા પોલીસ મથક હેઠળના વિસ્તારમાં એમબીએસ ઓર્નામેન્ટ નામના યુનિટમાં બે પરપ્રાંતિય મજૂરોની હત્યા કરવામાં આવતા ચકચાર મચી જવા પામી છે. ૧૦૦ ગ્રામ ચોરાઉ ચાંદી સાથે ઝડપાયેલા બન્ને યુવકોને માર મારી યુનિટના માલિક સાગર સાવલિયા, મેનેજર વિપુલ મોલીયા સહિતનાએ ઓરડીમાં પુરી દીધેલ, સવારે લાશ મળતા પોલીસે ૬ આરોપીઓની અટકાયત કરી હતી.
ત્યારે આ ઘટના મામલે ઝોન-1ના ડીસીપી એસ.વી.પરમારે નિવેદન આપીને જણાવ્યુ હતું કે રાહુલ અને મીનુ નામના યુવકો યુનિટમાંથી ચાંદીની ચોરી કરતા હતા. રાહુલને ૧૦૦ ગ્રામ ચાંદીના જથ્થા સાથે ઝડપી લીધા બાદ મીનુને બોલાવી બંનેને ધોકા-પાઇપ વડે માર મરાયો હતો. ત્યારે યુનિટના માલિક સાગર સાવલિયા, મેનેજર વિપુલ મોલીયા, કોન્ટ્રાકટર તન્મય, કર્મચારી હિમાલય અને ધવલે મારમારી બંનેને ઓરડીમાં પુરી દીધા હતા અને સવારે ઓરડી ખોલતા બંનેના મોત થઇ ગયાનું સામે આવ્યું હતું હાલ પોલીસે 6 આરોપીઓની અટક કરી વધુ પૂછપરછ હાથ ધરી છે.