રાજકોટ: શહેરના જંગલેશ્વર વિસ્તારમાં ગેરકાયદેસર બાંધકામોને લઈને મહાનગરપાલિકાએ ડિમોલેશન કાર્યવાહી હાથ ધરતા સમગ્ર વિસ્તારમાં કડક બંદોબસ્ત ગોઠવાયો છે. પરિસ્થિતિ શાંતિપૂર્ણ રહે અને કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે તંત્ર સંપૂર્ણ રીતે સજ્જ બન્યું છે.
કડક પોલીસ બંદોબસ્ત અને ફૂટ પેટ્રોલિંગ
ડિમોલેશનની કાર્યવાહી દરમિયાન આશરે 1500 પોલીસકર્મીઓ તૈનાત કરવામાં આવ્યા છે. ઉપરાંત 1200થી વધુ મનપા સ્ટાફ કામગીરીમાં જોડાયો છે. સમગ્ર જંગલેશ્વર વિસ્તારમાં સઘન ફૂટ પેટ્રોલિંગ કરવામાં આવ્યું છે જેથી કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે.
ફાયર અને PGVCLની ટીમો પણ ખડે પગે
સાવચેતીના ભાગરૂપે 7 ફાયર બ્રિગેડની ટીમો અલગ-અલગ સ્થળોએ તૈનાત કરવામાં આવી છે. કોઈ અણધારી ઘટના બને તો તરત જ કાર્યવાહી કરી શકાય તે માટે પૂરતી તૈયારીઓ રાખવામાં આવી છે. સાથે સાથે PGVCLની અલગ અલગ ટીમો પણ હાજર રહી વીજ પુરવઠા સંબંધિત જરૂરી તકેદારી રાખી રહી છે.
મિશ્ર પ્રતિસાદ, કેટલાક લોકોએ સ્વયંભૂ મકાન ખાલી કર્યા
ડિમોલેશન કાર્યવાહી અંગે વિસ્તારમાં મિશ્ર પ્રતિસાદ જોવા મળ્યો છે. એક તરફ કેટલાક રહેવાસીઓએ સ્વયંભૂ રીતે પોતાના મકાનો ખાલી કરવા શરૂ કર્યા છે.
બીજી તરફ, કેટલીક મહિલાઓએ પ્રતિક્રિયા આપતા જણાવ્યું હતું કે, “અમને નોટિસ આપવામાં આવી ત્યારે તંત્ર દ્વારા આશરો આપવાનો વાયદો કરવામાં આવ્યો હતો. હવે અમને યોગ્ય આશરો આપવામાં આવે.”
તંત્રનું કહેવું
મહાનગરપાલિકા તંત્રના સૂત્રો મુજબ ગેરકાયદેસર બાંધકામો સામે કાયદેસર કાર્યવાહી કરવામાં આવી રહી છે અને તમામ પ્રક્રિયા નિયમો મુજબ જ હાથ ધરાઈ રહી છે. સાથે સાથે પરિસ્થિતિ નિયંત્રણમાં રહે તે માટે પૂરતા સુરક્ષા બંદોબસ્તની વ્યવસ્થા કરાઈ છે.







