ભૂપેન્દ્ર પટેલની સરકારમાં મંત્રીમંડળના વિસ્તરની જ્યારથી ચર્ચાની શરુઆત થઈ ત્યારથી એક નામ ખુબ ગુંજતુ હતું એ છે જયેશ રાદડિયાનું.આજે જ્યારે સવારે ફોન આવવાના શરુ થયા અને મુખ્યમંત્રીએ રાજ્યપાલને યાદી સોંપી ત્યાં સુધી તો જયેશ રાદડિયા મંત્રી બને છે તે નિશ્ચિત જ હતું પરંતુ શપથવિધિ સમયે ચિત્ર સ્પષ્ટ થયું અને જયેશ રાદડિયાનું નામ જ ન આવ્યું. રાજકોટથી ગાંધીનગર સુધી હવે ચર્ચાઓ શરુ થઈ છે કે જયેશ રાદડિયાને પાટીલ સામેનો પાવર નડી ગયો કે સહકાર ક્ષેત્ર નડી ગયું.

ગુજરાતમાં મંત્રીમંડળનું વિસ્તરણ થશે આવી ચર્ચાઓની શરુઆતથી મંત્રીપદે આગળ ચાલતા જયેશ રાદડિયા આજે નાખુશ તો થયા જ હશે.શિસ્તબદ્ધ ભાજપ પાર્ટીમાં નારાજગી વ્યક્ત પણ કેમ કરાશે હવે. સૌરાષ્ટ્રમાં આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ગોપાલ ઈટાલિયાની ટક્કરમાં કોઈ પાટીદારની જરૂર હોય તો જયેશ રાદડિયા પાવરફુલ નેતા તરીકે ગણતરી થાય છે. તેથી જયેશ રાદડિયાનું મંત્રીપદ લગભગ નક્કી ગણાતું. પરંતું મંત્રીમંડળનું લિસ્ટ આવતા જ રાદડિયા અંગે ચાલી રહેલી હવાનું સૂરસૂરિયનું નીકળી ગયું છે. જયેશ રાદડિયાને દાદાની સરકારમાં ફરીથી પડતા મૂકાયા છે.

સહકારી દિગ્ગજ જયેશ રાદડિયાને અગાઉ કેન્દ્રીય સહકાર મંત્રી અમિત શાહના અંગત બિપિન ગોતા સામે ચૂંટણી લડીને તેમને હરાવવાનું ભારે પડ્યું હોય એમ મનાય છે. એ વખતે તેમણે બિપિન ગોતા સામે સૌરાષ્ટ્રના મતદારોની કાર્ટેલ રચી હતી અને બિપિન ગોતાને પરાજયનો સામનો કરવો પડ્યો હતો. મંત્રીમંડળમાં એમનું પત્તુ કાપીને અમિતભાઈએ હિસાબ સરભર કર્યો હોવાનું પણ મનાઈ રહ્યું છે.

પ્રદેશપ્રમુખ તરીકે સી.આર. પાટીલે સહકારી સંસ્થાઓની ચૂંટણીમાં પાર્ટીનો મેન્ડેટ ફરજિયાત બનાવ્યો હતો ત્યારે જયેશ રાદડિયાએ તેનો ખૂલીને વિરોધ કર્યો હતો અને સહકારી સંસ્થાઓમાં પાર્ટીના મેન્ડેટની કોઈ આવશ્યકતા ન હોવાનું સમર્થન કર્યું હતું. આ મુદ્દે દિગ્ગજ સહકારી અગ્રણી દિલીપ સંઘાણી અને જયેશ રાદડિયાએ નોંખો ચોકો માંડ્યો હતો. એ દબંગગીરી પણ તેમની નડી હોય તેમ ચર્ચાઈ રહ્યું છે.

તાજેતરમાં રાજકોટ ખાતે નાગરિક બેન્કના કાર્યક્રમમાં અમિતભાઈએ હાજરી આપી અને જયેશના મોં-ફાટ વખાણ કર્યા તેને લીધે રાદડિયાનો કેબિનેટ મંત્રી તરીકે પ્રવેશ નિશ્ચિત મનાતો હતો. પરંતુ મંત્રીમંડળમાં વિસ્તરણ ટાણે સૌ કોઈ ગાંધીનગરમાં ઊભા પગે હાજર હતા ત્યારે જયેશ રાદડિયા પરિવાર સહિત મથુરા ખાતે શ્રીનાથજીના મનોરથ કરી રહ્યા હતા. આથી એવું મનાય છે કે અમિતભાઈની મુલાકાત વખતે જ તેમને સહકાર ક્ષેત્ર અથવા મંત્રીપદ એવી પસંદગી પૂછાઈ હોય અને જયેશ રાદડિયાએ સહકારી ક્ષેત્ર પર કબજો જાળવવાનું પસંદ કર્યું હોય.

રાદડિયાનું પત્તુ કાપીને ભાજપે તમામ નેતાઓને મેસેજ આપ્યો કે, ભલે તમે તેટલા કદાવર નેતા હોવ, પરંતું પાર્ટીની લાઈનદોરીથી બહાર જશો તો ફેંકાઈ જશો. આ જ કારણ છે કે, રાદડિયાને દાદાની કેબિનેટમાં બીજીવાર પણ સ્થાન આપવામાં આવ્યું નથી. પાર્ટીની અવગણના કરવાથી તમે ગમે ત્યારે વેંતરાઈ જશો, રાદડિયાનું તેનું ઉદાહરણ છે.