વાયનાડમાં તબાહી, ભૂસ્ખલનને કારણે 106ના મોત, કેરળમાં બે દિવસના શોકની જાહેરાત

કેરળના વાયનાડમાં ભારે વરસાદ વચ્ચે ભૂસ્ખલન થયું છે. જેમાં 100થી વધુ લોકો ફસાયા છે. લોકોને બચાવવા માટે મોટાપાયે બચાવ કામગીરી હાથ ધરવામાં આવી રહી છે. સ્વાસ્થ્ય મંત્રી વીણા જ્યોર્જના જણાવ્યા અનુસાર અત્યાર સુધીમાં 100થી વધુ લોકોના મોત થયા છે. મૃતકોમાં કેટલાક બાળકોનો પણ સમાવેશ થાય છે. બચાવ કાર્ય માટે સેનાની સાથે નેવીને પણ તૈનાત કરવામાં આવી છે.

મળતી માહિતી મુજબ, મંગળવારે સવારે 2 વાગ્યાની આસપાસ ભૂસ્ખલન થયું હતું. આ પછી સવારે લગભગ 4.10 વાગ્યે વધુ એક ભૂસ્ખલન થયું. ભૂસ્ખલનને કારણે 116થી વધુ લોકો કાટમાળ નીચે ફસાયા છે, તેમને બહાર કાઢવા માટે રેસ્ક્યુ ઓપરેશન ચાલી રહ્યું છે. જેમ જેમ બચાવ કામગીરી આગળ વધે તેમ તેમ મૃત્યુઆંક વધુ વધી શકે છે.

બચાવ કામગીરી માટે એઝિમાલાથી નૌકાદળની ટીમ આવી પહોંચી છે. મુખ્યમંત્રીની સૂચના મુજબ નેવીની મદદ લેવામાં આવી હતી. મુખ્યમંત્રીએ નેવીની રિવર ક્રોસિંગ ટીમની મદદ લીધી હતી. એઝિમાલા નેવલ એકેડમીની નૌકાદળની ટીમ તરત જ વાયનાડ જવા રવાના થઈ ગઈ.

CM પિનરાઈ વિજયને કહ્યું કે,પીએમ મોદી, એલઓપી રાહુલ ગાંધી, ગૃહ પ્રધાન અમિત શાહ, તમિલનાડુના સીએમ એમકે સ્ટાલિન, બંગાળના ગવર્નર સીવી આનંદ બોઝે મને સીધો ફોન કરીને પરિસ્થિતિ વિશે પૂછ્યું અને તમામ શક્ય મદદની ખાતરી આપી. CM પિનરાઈ વિજયને કહ્યું કે વાયનાડમાં 45 રાહત કેમ્પ તૈયાર કરવામાં આવ્યા છે. આ કેમ્પમાં 3600 લોકોને શિફ્ટ કરવામાં આવ્યા છે.

બે જગ્યાએ થયું ભૂસ્ખલન

વાયનાડમાં બે જગ્યાએ ભૂસ્ખલન થયું છે. મુંડક્કાઈ અને ચુરલમાલામાં. ચુરલમાલામાં બચાવ કામગીરી ચાલી રહી છે. જ્યારે મુંડક્કાઈમાં બચાવ કામગીરી શરૂ કરવામાં લગભગ 15 કલાકનો સમય લાગ્યો હતો. કારણ કે આ વિસ્તારને જોડતો પુલ ધરાશાયી થયો હતો અને બચાવકર્મીઓએ અહીં સુધી પહોંચવા માટે હંગામી પુલ બનાવવો પડ્યો હતો.

કેરળમાં બે દિવસનો શોક

કેરળમાં બે દિવસના શોકની જાહેરાત કરવામાં આવી છે અને એરફોર્સ અને NDRF બચાવ કાર્યમાં લાગેલા છે. ઘટનાને જોતા રાજ્યમાં તમામ સરકારી કાર્યક્રમો રદ્દ કરવામાં આવ્યા છે.