અમરેલી જિલ્લામાં આવેલા ધારગણી ગામે હવે ટેક્નોલોજીની દિશામાં એક મોટું પગલું ભર્યું છે. ગામની સુરક્ષા વ્યવસ્થા મજબૂત બનાવવા માટે સમગ્ર ધારગણી ગામમાં CCTV કેમેરા લગાવવામાં આવ્યા છે.ધારગણી ગામમાં સીસીટીવી કેમેરા લગાવવા માટે ગામના સરપંચ ઈન્દ્રજીતભાઈ વાળાએ સહયોગ આપ્યો. ધારગણી ગામના સરપંચ ઈન્દ્રજીતભાઈ વાળાએ 10 લાખના ખર્ચે ગામમાં 50 કેમેરા લગાવવામાં મદદ કરી.
ગામના મુખ્ય રસ્તાઓ, શાળાના માર્ગો, દુકાનોની આસપાસ તેમજ પ્રવેશદ્વાર પર હાઈ-ક્વોલિટી કેમેરા સ્થાપિત કરવામાં આવ્યા છે. આ પગલાથી ગામમાં ગુનાહિત પ્રવૃત્તિઓ પર કાબુ મેળવવામાં સહાય મળશે તેમજ દરેક હલનચલન પર દેખરેખ રાખવી સરળ બનશે.
ગામના સરપંચ અને ગ્રામ પંચાયતના સભ્યોએ જણાવ્યું કે , “ગામની સુરક્ષા સૌની જવાબદારી છે. CCTV લગાવવાથી કોઈ પણ અણધાર્યા બનાવ કે ચોરી જેવી ઘટના બને તો તરત જ પુરાવા મળી શકશે. ગામના યુવાનો પણ આ અભિયાનમાં જોડાયા છે.” ગામલોકોમાં આ પહેલથી આનંદ અને સુરક્ષાનો અનુભવ થઈ રહ્યો છે. ઘણા લોકોએ જણાવ્યું કે હવે ગામમાં કોઈ અજાણ્યા વ્યક્તિની હલચલ પણ રેકોર્ડ થશે. આ પહેલ સાથે ધારગણી ગામ હવે સ્માર્ટ વિલેજ બનવાના માર્ગે આગળ વધી રહ્યું છે.
ધારગણી ગામના સરપંચની આ પહેલથી પોલીસ દ્વારા તેમનું સન્માન પણ કરવામાં આવ્યું છે. સમગ્ર ધારગણી ગામમાં સરપંચ ઈન્દ્રજીતભાઈ વાળાએ સીસીટીવી લગાવતા Dysp જયવીરભાઈ ગઢવીએ સરપંચનું સન્માન કર્યું અને અન્ય ગામના આગેવાનો અને દાતાઓને પણ પોત-પોતાના ગામમાં સીસીટીવી લગાવવા માટે યોગદાન આપવા અપીલ કરી હતી. આ સન્માન સમયે ગામના આગેવાનો સુભાષભાઈ ગજેરા, જીતુભાઈ ગજેરા અને ભરતભાઈ ગજેરા સહિતના ગ્રામજનો હાજર રહ્યાં હતા. દરેક ગામના આગેવાનોએ પોતાના ગામની સલામતી અને સુરક્ષા માટે આવી પહેલ કરવી જોઈએ.