સુરતમાં છેલ્લા ચાર દિવસથી લક્ષ્મી ડાયમંડ પર આઈટીની તપાસ ચાલી રહી છે જેને લઈને પૂર્વ ધારાસભ્ય ધીરૂ ગજરાનું પણ નામ ચર્ચાઈ રહ્યું છે આ મામલે ધીરુ ગજેરા એ મોટું નિવેદન આપ્યું છે તેમણે કહ્યું કે મારા ભાઈઓ દ્વારા સંચાલિત ગ્રુપ પર ચાલી રહેલી તપાસ સાથે મારા નામને જોડવાનું કોઈ જ ઔચિત્ય નથી.
પૂર્વ ધારાસભ્ય ધીરુ ગજેરાએ એક પત્ર જાહેર કરી જણાવ્યું હતું કે, હું ધીરુ ગજેરા પૂર્વ ધારાસભ્ય, અમારો 6 ભાઈઓનો પરિવાર અને તેમાંથી હું એક આ શહેર સુરતમાં 1971 ના વર્ષમાં એટલે કે 55 વર્ષ પહેલાં આવ્યો અને મારા જીવનયાપન માટે પરિવારથી સ્વતંત્ર રીતે રહીને અહીં સંઘર્ષ ચાલુ કર્યો. મારાથી નાના પાંચ ભાઈઓએ અલગથી સુરત આવીને તેમણે સંયુક્ત રીતે પોતાની સંઘર્ષ યાત્રા શરુ કરી.
મારો સ્વભાવ જનસેવા અને લોકપ્રશ્નોને વાચા આપવાનો હોય તે પ્રમાણે દેશના પૂર્વ વડાપ્રધાન સ્વર્ગીય મોરારજી દેસાઈના ચૂંટણી કન્વીનર બનવાથી મારા સામાજિક-રાજકીય જાહેર જીવનની 1972 થી શરૂઆત થઈ તે બે ટર્મ કોરપોરેટર અને ત્રણ ટર્મ ધારાસભ્ય તરીકે લોકો માટે અવાજ ઉઠાવ્યા પછી આજ દિન સુધી ચાલુ છે. છેલ્લાં ત્રણ દિવસથી પ્રચાર માધ્યમો લક્ષ્મી ગ્રુપ પર ચાલી રહેલા IT સર્વેના સમાચારોમાં મારા નામને જોડીને મીડિયા ટ્રાયલ ચલાવી રહ્યા છે તે જોઈને હું તમામ પ્રચાર માધ્યમોને સવિનય ખુલાસા સાથે કહેવા માંગુ છું કે તમે હકીકતોને જાણ્યા પછી જ પ્રસારિત કરો. મારા ભાઈઓ દ્વારા સંચાલિત ગ્રુપ ઉપર ચાલી રહેલી તપાસની સાથે મારા નામને જોડવાનું કોઈ જ ઔચિત્ય નથી. હાલ તપાસ કાર્યવાહી ચાલુ હોય એટલે તેમની(ભાઈઓ) સાથે મારો સંપર્ક શક્ય ન હોય અને જે જાણકારી સમાચાર માધ્યામો દ્વારા આવી રડી છે હું માત્ર તેનાથી જ વાકેફ છું અને જ્યાં પણ આવો IT સર્વે ચાલી રહ્યો છે ત્યાં મને પૂરો ભરોસો છે કે જવાબદાર નાગરિક તરીકે તેઓ સંબંધિત અધિકારીઓને સંપૂર્ણ સડયોગ આપી રહ્યા હશે.
મારા લોકપ્રશ્નોને વાચા આપવાના કાર્યની સાથે આવી તપાસને જોડવાની વાતોને ચગાવવાનું તમામ માધ્યમોએ બંધ કરવું જોઈએ એવી મારી લાગણી છે, કારણ કે આજે જીવનના 72 માં વર્ષે આવા ક્ષુલ્લક કારણોસર લોક પ્રશ્નોને વાચા આપવાનો સ્વભાવ હું બદલી શકું નહીં…






