કલેકટરશ્રી પ્રવિણા ડી.કે.ની અધ્યક્ષતા હેઠળ કલેકટર કચેરી ખાતે જિલ્લા જળ અને સ્વચ્છતા સમિતિ (DWSC) ની ૨૯મી બેઠક યોજાઇ હતી.
આ બેઠકમાં કુલ ૨૨ યોજનાઓની રૂ.૬૦૦.૨૬ લાખના કામોને મંજુરી આપવા રજુઆત કરવામાં આવી હતી. આ યોજનાના અમલીકરણથી ૧૧૭૭ જેટલા ઘર નળ કનેકશનની સંખ્યામાં વધારો થશે.
જિલ્લામાં કુલ ઘર પૈકી નળ જોડાણ ન ધરાવતા ૧૪૯૩૭ ઘરોમાં નજીકના સમયમાં વાસ્મો દ્વારા કામગીરી પૂર્ણ કરાશે. કલેકટરશ્રીએ જળ જોડાણ ન ધરાવતા ઘરો, આંગણવાડી અને શાળાઓમાં ઝડપથી કામગીરી પૂર્ણ કરવા સબંધિતોને જણાવ્યું હતું. નક્કર કામગીરીથી ચોકકસ પરિણામ આપવા તેમણે જણાવ્યું હતું.
‘વાસ્મો’ ભુજના યુનિટ મેનેજર સહ કાર્યપાલક ઈજનેરશ્રી ડી.સી.કટારિયાએ જિલ્લાની સમગ્ર વિગતોથી વિગતે કલેકટરશ્રીને માહિતગાર કર્યા હતા. તેમણે જણાવ્યું કે, જિલ્લામાં વિવિધ સરકારી કે અન્ય ગ્રાંટમાંથી ૩ જેટલા ગામોના કુલ ૧૧૫ ઘરોમાં ૧૦૦ ટકા નળ કનેકશનમાં વધારો થયો છે.
જિલ્લાના ૯૬૪ ગામો પૈકી ૮૧૨ ગામો ૧૦૦ ટકા નળ જોડાણ ધરાવે છે જયારે ૧૫૨ ગામોમાં ૧૦૦ ટકા નળ જોડાણ કામ બાકી છે. વાસ્મોએ ૨૨૫ બાકી રહેતા ગામોની કામગીરી કરવાની છે.
આ બેઠક અંતર્ગત અગાઉ મંજુર થયેલ યોજનાઓની પ્રગતિની સ્થિતિ, વાસ્મો-ભુજ દ્વારા તૈયાર નવી યોજનાઓની મંજુરી, વિવિધ ગ્રાન્ટ દ્વારા ૧૦૦ ટકા કનેકશન મેળવેલ ગામોની યાદી, અગાઉ મંજુર થયેલી યોજનાઓમાં સુધારા, શાળા-આંગણવાડીઓમાં પીવાના પાણીની વ્યવસ્થા ઉભી કરવી તથા લખપત તાલુકામાં પાણી યોજનાના અમલ માટે લોકફાળાના પ્રશ્નો વગેરે મુદાઓ પર ચર્ચા કરવામાં આવી હતી.
આ બેઠકમાં સર્વશ્રી આઇસીડીએસ જિલ્લા પ્રોગ્રામ અધિકારીશ્રી એન.સી.ઓઝા, પાણી પુરવઠા કાર્યપાલક ઈજનેરશ્રી એ.પી.તિવારી, અંજાર કાર્યપાલક ઈજનેરશ્રી એમ.એચ.શાહ, નાયબ જિ.પ્રા.શિક્ષણાધિકારીશ્રી એન.ગોર, ડીઈઓશ્રી બી.એન.પ્રજાપતિ, જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી ભુજના એન.આર.પટેલ, જિલ્લા સમાજ કલ્યાણ અધિકારીના પ્રતિનિધિશ્રી, વાસ્મો જિલ્લા કો.ઓર્ડિનેટરશ્રી ડિમ્પલ શાહ, વાસ્મો મેનેજર એડમીનશ્રી હાર્દિક ધોળકીયા, ટેકનો આસી.મુળજીભાઇ ગઢવી તથા હિરેન પટેલ, માહિતી કચેરીના બળવંતસિંહ જાડેજા ઉપસ્થિત રહયા હતા.