રાજકોટ: શહેરના પેલેસ રોડ વિસ્તારમાં આવેલ મનમંદિર એપાર્ટમેન્ટમાં મોડી રાત્રે ભીષણ આગ લાગવાની ઘટના સામે આવી છે. ચોથા માળે લાગેલી આ આગમાં 95 વર્ષીય માતા પ્રભાબેન પૂજારા અને તેમના 62 વર્ષીય પુત્ર નરેન્દ્ર પૂજારાનું કરુણ મૃત્યુ થયું છે.
શોર્ટ સર્કિટથી આગ લાગ્યાનું પ્રાથમિક તારણ
પોલીસના પ્રાથમિક તારણ મુજબ આગ શોર્ટ સર્કિટના કારણે લાગી હોવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. ઘટનાની જાણ થતાં જ ફાયર બ્રિગેડની ત્રણ ટીમ તાત્કાલિક સ્થળ પર પહોંચી હતી અને ભારે મહેનત બાદ આગ કાબૂમાં લેવામાં આવી હતી.
બચાવ કામગીરી અને હોસ્પિટલ ખસેડાયા
આગ કાબૂમાં આવ્યા બાદ ફાયર વિભાગ અને પોલીસ દ્વારા ફ્લેટમાંથી બે મૃતદેહ બહાર કાઢવામાં આવ્યા હતા. મૃતકોને પોસ્ટમોર્ટમ માટે સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે.
વધુ તપાસ હાથ ધરાઈ
ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં રાખીને એ ડિવિઝન પોલીસ દ્વારા તપાસ શરૂ કરવામાં આવી છે. સાથે જ FSLની ટીમની મદદથી આગ લાગવાના ચોક્કસ કારણોની તપાસ ચાલી રહી છે.
વિસ્તારમા શોકનો માહોલ
એક જ પરિવારના બે સભ્યોના દુર્ઘટનાજન્ય મોતને કારણે વિસ્તારમા શોકનો માહોલ છવાયો છે. સ્થાનિકો દ્વારા ફાયર વિભાગની ત્વરિત કામગીરીની પ્રશંસા કરવામાં આવી છે.







