રાજ્યમાં હવામાન વિભાગ દ્વારા માવઠાંને લઈ આગાહી કરવામાં આવી હતી. જેને પગલે સૌરાષ્ટ્ર્ર સહિત રાજ્યના અનેક જિલ્લામાં કમોસમી વરસાદ વરસી રહ્યો છે.
રાજકોટ શહેર તથા ગ્રામ્ય વિસ્તારોમાં, જૂનાગઢ, અમરેલી શહેર તથા ધારી સહિતના ગ્રામ્ય વિસ્તારોમાં, સોમનાથમાં કમોસમી વરસાદ વરસી રહ્યો છે. વહેલી સવારથી જ ગાજવીજ સાથે કમોસમી વરસાદ પડી રહ્યો છે. રસ્તા પર પાણી ભરાતા ચોમાસા જેવો માહોલ સર્જાયો છે. હજુ તો શિયાળાની શરૂઆત થઈ રહી છે ત્યારે વરસાદ પડતા વાતાવરણ વધુ ઠડું થયું છે.
જૂનાગઢમાં ગિરનાર પર લીલી પરિક્રમા ચાલી રહી છે. ત્યારે જિલ્લામાં કમોસમી વરસાદ પડતા પરિક્રમામાં ગયેલા યાત્રિકોની મુશ્કેલીમાં વધારો થઈ શકે છે. હજુ પણ મોટી સંખ્યામાં યાત્રિકો પરિક્રમાના રૂટ પર છે. રાજ્યભરમાં ખેડૂતોએ શિયાળુ પાકનુ વાવેતર કર્યુ છે. ત્યારે ખેડૂતોના પાકને નુકશાન થવાની ભીતિ સેવાઈ રહી છે.
આગાહીના પગલે રાજ્યભરના તમામ માર્કેટિંગ યાર્ડમા ખેડૂતોને જણસી નહીં લાવવા માટે સૂચના આપવામાં આવી હતી. તમામ માર્કેટિંગ યાર્ડમાં કામગીરી બંધ રાખવામાં આવી છે. યાર્ડમાં જે માલ રાખવામાં આવ્યો છે તે પણ પલળે નહીં તે માટે પણ સંપૂર્ણ વ્યવસ્થા કરવામાં આવી છે. કમોસમી વરસાદ વરસતા ખેડૂતોમાં ચિંતાનું મોજું ફરી વળ્યું છે…….