ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીએ વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે દિલ્હીમાં મુલાકાત કરતા અનેક અટકળો શરૂ થઈ છે. એક તરફ દિલ્હીમાં ભાજપના નવા રાષ્ટ્રીય પ્રમુખ અને નવા સંગઠન માળખા માટે બેઠકોનો દોર શરૂ થયો છે. ગુજરાતમાં પણ સી.આર.પાટીલના સ્થાને આગામી સમયમાં નવા પ્રદેશ પ્રમુખની નિમણૂક થવાની છે. તે પૂર્વે રૂપાણી અને પીએમ મોદી સાથે બેઠક યોજાઇ હતી. નવી જવાબદારી મળે તેવા સંકેત વર્તાય રહ્યાં છે.

સંગઠનમાં પદ મેળવવા ઈચ્છુક પ્રદેશ પ્રમુખો અને નેતાઓ દિલ્હીની વાટ પકડી રહ્યા છે. પુર્વ સીએમ વિજય રૂપાણીએ ગઈકાલે નવી દિલ્હી ખાતે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાથે શુભેચ્છા મુલાકાત કરતા જ અનેક અફવાઓની હવાઓને સ્થાન મળ્યું હોય તેવું લાગી રહયું છે. વિજય રૂપાણી નરેન્દ્ર મોદીને મળવા પહોંચતા તેમને કોઈ મહત્વની જવાબદારી આપવામાં આવશે તેવું પણ જાણવા મળી રહ્યું છે. જો કે રૂપાણીએ તેને શુભેચ્છા મુલાકાત ગણાવી હતી પરંતુ જે રીતે રાજ્ય અને રાષ્ટ્રીય કક્ષાએ ભાજપના સંગઠન માળખામાં ફેરફાર થવાના છે તેને લઇને રૂપાણીને નવી મહત્વની જવાબદારી સોંપાઇ શકે છે તે સ્પષ્ટ થયું છે.

કેન્દ્રીય સંગઠનમાં મળી શકે છે મહત્વની જવાબદારી
આગામી દિવસોમાં ભાજપમાં રાષ્ટ્રીયસ્તરે નવા સંગઠનની રચના થશે તે પૂર્વે આ મુલાકાત સૂચક જણાય છે અને અનેક રાજકીય ચર્ચાઓએ જોર પકડ્યું છે. એવી પણ ચર્ચા ચાલી રહી છે કે વિજય રૂપાણીને કેન્દ્રીય સંગઠનમાં મોટી જવાબદારી મળી શકે છે. જણાવી દઈએ કે, વિજય રૂપાણી હાલ પંજાબ અને ચંદીગઢ ભાજપનાં પ્રભારી છે.

વાયરલ થયેલા ફોટોના કારણે વિજય રૂપાણીને જવાબદારી મળે તેવી અટકળો વેગ પકડ્યો છે. રાષ્ટ્રીય સ્તરે સંગઠનમાં મોટી જવાબદારી આપવામાં આવે તેવી વાત સામે આવતાજ હાલ રાજકીય ગરમાવો જોવા મળી રહયો છે. આવી સ્થિતિમાં હાઈકમાન્ડ દ્વારા વિજય રૂપાણીને મોટી જવાબદારીના નામે મ્હોર વાગે તો નવાઈ નહી.

મહત્વનું છે કે, ભાજપ સંગઠન પર્વ જે 60 દિવસ સુધી ચાલશે. જેમાં નવા સભ્યોની નોંધણી અને જૂના સદસ્યો સાથે હોદ્દોદારો, પદાધિકારીઓના સંપર્ક અભિયાન સંપન્ન થયા પછી નવા હોદ્દાના નામ અને નવા અન્ય નામ પણ જાહેર થઈ શકે છે. જણાવી દઈએ કે, પુર્વ સીએમ વિજય રૂપાણી હાલ પંજાબના પ્રભારી છે. એમણે 7 ઓગસ્ટ 2016 ના રોજ ગુજરાત રાજ્યના સોળમા મુખ્યમંત્રી તરીકે શપથ ગ્રહણ કર્યા હતા. મુખ્યમંત્રી બન્યા પહેલાં તેઓ ભારતીય જનતા પક્ષના રાજ્યાધ્યક્ષ અને રાજ્યસભાના સભ્ય પણ હતા.11 સપ્ટેમ્બર 2021 ના રોજ એમણે ગુજરાતના મુખ્યમંત્રી પદેથી રાજીનામું આપ્યું હતું