ગીરસોમનાથ જિલ્લોમાં ચકચાર મચાવનાર પેટ્રોલ બોમ્બ અને ફાયરિંગ કેસમાં પોલીસને મોટી સફળતા મળી છે. તાલાલા તાલુકાના જાવંત્રીગીર ગામે થોડા દિવસો પહેલા અજાણ્યા શખ્સોએ ફાયરિંગ કરી એક મકાન પર પેટ્રોલ બોમ્બ ફેંક્યો હતો. મકાન સળગી જતા એક મહિલાનું કરુણ મોત નિપજ્યું હતું.
સાસણગીર જંગલમાં છુપાયા, મોડીરાત્રે ઝડપાયા
ઘટના બાદ આરોપીઓ જંગલ વિસ્તારના જાણકાર હોવાને કારણે સાસણગીરના જંગલમાં નાસી છૂટ્યા હતા. પોલીસ દ્વારા સતત કોમ્બિંગ ઓપરેશન હાથ ધરાતા મોડીરાત્રે મુખ્ય આરોપી સહિત તમામ 5 અસામાજિક તત્વોને ઝડપી પાડવામાં આવ્યા.
600થી વધુ પોલીસ જવાનો સાથે જાહેરમાં સરઘસ
આજરોજ તાલાલા પોલીસ સ્ટેશનથી જિલ્લા પોલીસ વડા જયદીપસિંહ જાડેજાની ઉપસ્થિતિમાં 600થી વધુ પોલીસ જવાનોની હાજરીમાં આરોપીઓનો જાહેરમાં વરઘોડો કાઢવામાં આવ્યો. આરોપીઓને દોરડા વડે બાંધી તાલાલા શહેર તેમજ આસપાસના અંદાજે 6 ગામોમાં ફેરવવામાં આવ્યા.પોલીસે આરોપીઓ પાસેથી ઘટનામાં ઉપયોગમાં લેવાયેલા હથિયારો પણ કબજે કર્યા છે. સમગ્ર વિસ્તારમાં કડક પોલીસ બંદોબસ્ત ગોઠવાયો છે.
કાયદો અને વ્યવસ્થા જાળવવા અપીલ
એસપી જયદીપસિંહ જાડેજાએ નાગરિકોને અપીલ કરી છે કે કાયદો અને વ્યવસ્થા જાળવવા પોલીસને સહકાર આપે અને અફવાઓથી દૂર રહે.







