બોટાદમાં સરકારી સિવિલ હોસ્પિટલ અને મેડિકલ કોલેજ માટે જરૂર પડે અમે આંદોલન પણ કરીશું: ઉમેશ મકવાણા
આમ આદમી પાર્ટીના બોટાદના ધારાસભ્ય ઉમેશભાઈ મકવાણાએ વિધાનસભા ખાતે પોતાની વાત રજૂ કરતા જણાવ્યું હતું કે, આજે પ્રશ્નોત્તરી કાળ દરમિયાન મેં ગૃહમાં સવાલ પૂછ્યો હતો કે, બોટાદ જિલ્લામાં નવી સિવિલ હોસ્પિટલ અને મેડિકલ કોલેજ ક્યારે શરૂ કરવામાં આવશે? તેના જવાબ મંત્રીશ્રીએ જણાવ્યું હતું કે બોટાદના નાગલપુર ગામે સિવિલ હોસ્પિટલ અને મેડિકલ કોલેજ માટે જમીન ફાળવવામાં આવી છે. ત્યારબાદ મેં સવાલ કર્યો હતો કે આ સિવિલ હોસ્પિટલ અને મેડિકલ કોલેજનું કામ કયા તબક્કા સુધી પહોંચ્યું છે? તેના જવાબમાં મંત્રીશ્રીએ જણાવ્યું હતું કે ઈચ્છુક સંસ્થાઓ પાસેથી અરજીઓ મંગાવવામાં આવી છે અને ચારથી પાંચ જેટલી અરજીઓ સરકારમાં આપવામાં આવી છે.
ત્યારબાદ મારો સવાલ હતો કે 2023-24માં નવી સિવિલ હોસ્પિટલ બનાવવા માટે કેટલું ફંડ ફાળવવામાં આવ્યું છે તો એના જવાબમાં મંત્રીશ્રીએ જણાવ્યું હતું કે “50 લાખ જેટલું ટોકન ફંડ ફાળવવામાં આવ્યું છે.” નરેન્દ્રભાઈ મોદીજી જ્યારે ગુજરાતના મુખ્યમંત્રી હતા, તે સમયે તેમણે વચન આપ્યું હતું કે બોટાદમાં સિવિલ હોસ્પિટલ અને મેડિકલ કોલેજ બનાવવામાં આવશે. પરંતુ આજે માનનીય આરોગ્ય મંત્રી ઋષિકેશભાઇ પટેલના જવાબથી સાબિત થાય છે કે ભુપેન્દ્રભાઈ પટેલની સરકારે બોટાદની જનતા સાથે છેતરપિંડી કરી છે. મોદી સાહેબે જે વચન આપ્યું હતું તે વચનને ભુપેન્દ્રભાઈની સરકારે તોડ્યું છે. આમ આદમી પાર્ટી વતી હું આ બાબતને વખોડી રહ્યો છું. અમારી માંગ છે કે બોટાદમાં સરકારી સિવિલ હોસ્પિટલ અને સરકારી મેડિકલ કોલેજ બને, પ્રાઇવેટ નહીં. આના માટે જરૂર પડે અમે આંદોલન પણ કરીશું. ત્યારબાદ મારો સવાલ હતો કે ભાવનગર સિવિલ હોસ્પિટલમાં છેલ્લા બે વર્ષમાં કોઈ નવી ઓપીડી શરૂ કરવામાં આવી છે કે નહીં તો તેના જવાબમાં મંત્રીશ્રીનો જવાબ હતો કે છેલ્લા બે વર્ષમાં કોઈ નવો ઓપીડી વિભાગ શરૂ કરવામાં આવેલ નથી. ચૂંટણી સમયે વચન આપવામાં આવ્યા હતા કે નવો ઓપીડી વિભાગ શરૂ કરવામાં આવશે.
ઇસુદાન ગઢવી પણ લડશે ચૂંટણી?
ત્યારબાદ ધારાસભ્ય ઉમેશભાઈ મકવાણાએ વધુ મહત્વપૂર્ણ મુદ્દાઓ પર વાત કરતા જણાવ્યું હતું કે, આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક અને દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલજી તથા ગુજરાતના પ્રદેશ પ્રભારી તથા રાજ્યસભા સાંસદ ડૉ. સંદીપ પાઠકે આજે ભરૂચ લોકસભા સીટ માટે આદિવાસી સમાજના લોકપ્રિય ધારાસભ્ય ચૈતરભાઈ વસાવા અને ભાવનગર લોકસભા સીટ માટે મારા નામની ઘોષણા કરી છે. તો હું પાર્ટીના શીર્ષ નેતાઓનો અને પ્રદેશ અધ્યક્ષ ઇસુદાનભાઈ ગઢવી, પ્રદેશ સંગઠન મહામંત્રી મનોજભાઈ સોરઠીયા સહિત સમગ્ર ગુજરાતની ટીમનો અને ભાવનગરની અને બોટાદની જનતાનો પણ આભાર માનું છું. વિધાનસભા ચૂંટણીમાં આમ આદમી પાર્ટીને 13% મત મળ્યા હતા તેનો મતલબ કે મેરીટના આધારે આમ આદમી પાર્ટી લોકસભા ચૂંટણીમાં આઠ ઉમેદવારો ઉતારવા જઈ રહી છે. જો શીર્ષ નેતૃત્વ નિર્ણય લેશે તો આમ આદમી પાર્ટીના વરિષ્ઠ નેતા અને પ્રદેશ પ્રમુખ ઈસુદાનભાઈ ગઢવી પણ ચૂંટણી લડી શકે છે.







