અમરેલી: જિલ્લામાં સરકારી અનાજની હેરાફેરી સામે કડક કાર્યવાહી હાથ ધરતા વડિયા પુરવઠા મામલતદાર સહિત તેમની ટીમે મોટી સફળતા મેળવી છે. ઢૂંઢિયા પીપળીયા નાકા પાસેથી એક રિક્ષામાં સરકારી બિનઅધિકૃત અનાજ રંગે હાથ ઝડપી પાડવામાં આવ્યું છે.

રિક્ષામાંથી ઘઉં-ચોખા સહિત સામાન જપ્ત
માહિતી મુજબ, વડિયા મામલતદાર કુલદીપ સિંહ અને તેમની ટીમે મળેલી બાતમીના આધારે ચેકિંગ દરમિયાન એક શંકાસ્પદ રિક્ષાને રોકી તપાસ હાથ ધરી હતી. તપાસ દરમ્યાન રિક્ષામાંથી સરકારી ઘઉં, ચોખા અને ઇલેક્ટ્રિક કાંટો મળી આવ્યો હતો. આ કાર્યવાહી દરમિયાન રિક્ષા સહિત કુલ રૂ. 82,527નો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે.

અનાજ ગોડાઉન પર અને રિક્ષા પોલીસને સોંપી
ઝડપાયેલો અનાજનો જથ્થો સરકારી ગોડાઉન પર સોંપવામાં આવ્યો છે, જ્યારે રિક્ષાને પોલીસ સ્ટેશન ખાતે જમા કરાવી આગળની કાયદેસરની કાર્યવાહી શરૂ કરવામાં આવી છે.

અનાજ માફિયાઓમાં ફફડાટ
વડિયા પુરવઠા મામલતદાર કુલદીપ સિંહ દ્વારા સતત ચાલી રહેલી કાર્યવાહીના કારણે અનાજ માફિયાઓમાં ફફડાટ મચી ગયો છે. સરકારી અનાજની ગેરવેચાણ અને કાળાબજારી સામે તંત્ર દ્વારા કડક વલણ અપનાવવામાં આવ્યું છે.

સ્થાનિક સ્તરે પણ આ કાર્યવાહીનું સ્વાગત કરવામાં આવી રહ્યું છે અને આવનારા દિવસોમાં વધુ ચેકિંગ અભિયાન હાથ ધરવામાં આવે તેવી શક્યતા વ્યક્ત થઈ રહી છે.