રાજ્યમાં આજે  મંગળવાર અનેક લોકો માટે અમંગળ લઈને આવ્યો હોય તેવી ગોઝારા અકસ્માતની ઘટનાઓ સામે આવી હતી. જેમાં રાજ્યમાં ત્રણ અલગ અલગ ઘટનાઓમાં 13 લોકોના મોત નીપજયાં હતાં. મોતના પગલે મૃતકોના પરિજનોમાં શોકનો માહોલ ચાલો જાણીએ અકસ્માત વિશે વિગતવાર

દાહોદના ગરબાડા-અલીરાજપુર હાઇવે પર ગોઝારો અકસ્માત

દાહોદના ગરબાડા-અલીરાજપુર હાઇવે પર ગોઝારા અકસ્માતની ઘટના સામે આવી હતી જેમાં પાટીયાઝોલ તળાવ પાસે રિક્ષા અને ટ્રક વચ્ચે ગંભીર અકસ્માત થતાં 6 લોકોના ઘટનાસ્થળે જ કમકમાટીભર્યા મોત નિપજયા હતા. આ ઉપરાંત એક વ્યક્તિ ગંભીર રીતે ઘાયલ હોવાથી તાત્કાલિક સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. ઘટનાની જાણ થતા જ પોલીસની ટીમ ઘટનાસ્થળે પહોંચીને આગળની કાર્યવાહી હાથ ધરી છે.

સુરેન્દ્રનગરના ઝામર ગામ નજીક અકસ્માત 5 લોકો બન્યા કાળનો કોળિયો

 

સુરેન્દ્રનગરના લખતરના ઝામર ગામ નજીક ટ્રક અને સેન્ટ્રો કાર વચ્ચે અકસ્માત સર્જાયો હતો જેમાં ત્રણ લોકોના કમકમાટી ભર્યા મોત નીપજ્યા હતા . આ અકસ્માત પલાસા ખાતે માતાજીની બાધા પુરી કરવા જતાં સમયે થયો હતો. ઘટનામાં ત્રણ લોકો ઈજાગ્રસ્ત થયા હતા જેને હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા જેમાંથી 2 લોકોએ સારવાર દરમિયાન દમ તોડ્યો હતો. જેમાંથી આ બનાવની જાણ થતા જ લખતર પોલીસ ઘટનાસ્થળે પહોંચી ગઇ હતી અને વધુ તપાસ હાથ ધરી હતી. અકસ્માત એટલો ભયાનક હતો કે સેન્ટ્રો કારના ફૂરચેફૂરચા ઉડી ગયા હતા.

 

જામનગરમાં રોડ અકસ્માતમાં પતિ પત્નીએ જીવ ગુમાવ્યા 

જામનગરમાં ચેલા ગામ પાસે કાળજું કંપાવનારી અકસ્માતની ઘટના સામે આવી હતી જેમાં કારની સામ-સામે ટક્કર થતા ભયાનક અકસ્માત સર્જાયો હતો. અકસ્માતની આ ઘટનની પ્રાથમિક તપાસમાં રામપર જઈ રહેલા પરિવારને ચેલાથી ચંદ્રગઢ વચ્ચે આકસ્માત નડ્યો હતો જેમા દંપતિનું મોત થયું હતું જ્યારે ત્રણ લોકો ઈજાગ્રસ્ત થયા હતા જેને સારવાર અર્થે હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા છે.