મળતી માહિતી મુજબ મંત્રી ઋષિકેશ પટેલે વધુમાં જણાવ્યું કે, રાજ્ય સરકારના વહીવટી વિભાગો હસ્તકના તમામ સંવર્ગોની ભરતીના આયેજનના ભાગરૂપે સરકાર દ્વારા વર્ષ-2024 થી 2033 માટે 10 વર્ષિય ભરતી કેલેન્ડર નિયત કરવાની કાર્યવાહી કરવામાં આવી. જે અનુસાર આગામી 10 વર્ષમાં અંદાજે કુલ-2,06,991 જગ્યાઓ ભરવાનું આયોજન હાથ ધરાયું છે. ગુજરાતમાં વહીવટી સંચાલનમાં રહેલી પારદર્શિતા, જવાબદારી અને સુલભતાને વધુ પ્રોત્સાહન આપવા માટે ગુજરાતનાં નાગરિકો અને રાજ્ય સરકાર વચ્ચે સીધો અને અસરકારક સંવાદ થઇ શકે તે માટે મુખ્યમંત્રી હેલ્પલાઇન શરૂ કરવામાં આવનાર હોવાનું પણ તેમણે કહ્યું હતુ.
લોકાભિમુખ વહીવટ માટે સરકાર દ્વારા સમયાંતરે વહીવટમાં સુધારાઓ કરવામાં આવેલ છે. હાલના સમયમાં વિકસિત ભારત@2047ના લક્ષ્યને સિધ્ધ કરવા માટે ગુજરાત વિકાસની હરણફાળ ભરી રહ્યુ છે. જેના ભાગરૂપે રાજ્યના વહીવટી માળખામાં તેમજ કાર્યપદ્ધતિમાં જરૂરી સુધારા કરવા, માનવશક્તિનું તર્કસંગીકરણ કરવા, જાહેર સેવાઓને સુદ્રઢ બનાવવા અને નવીનતમ ટેકનોલોજીના ઉપયોગથી સરકારી તંત્રની કાર્ય ક્ષમતામાં વધારો કરવાના હેતુથી ડૉ. હસમુખ અઢિયાના અધ્યક્ષસ્થાને ગુજરાત વહીવટી સુધારણા પંચની રચના કરવામાં આવશે તેમ મંત્રી ઋષિકેશ પટેલે ઉમેર્યુ હતુ.
વિધાનસભા ગૃહમાં મંત્રી ઋષિકેશ પટેલે જણાવ્યું કે,મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઇ પટેલના નેતૃત્વમાં રાજ્ય વહીવટમાં પારદર્શિતા અને સુચારૂ સંચાલન માટે રાજ્ય સરકાર હંમેશાથી કટિબધ્ધ છે. સેવા સેતુ કાર્યક્રમના દશમા તબક્કામાં મળેલ કુલ 17,65,604 અરજીઓમાંથી 17,65,595 અરજીઓનો નિકાલ કરવામાં આવેલ છે. રાજકોટ પ્રાદેશિક તાલીમ કેન્દ્રના વધુ કાર્યભારણને ધ્યાને લઈ ભાવનગર ખાતે નવું પ્રાદેશિક તાલીમ કેન્દ્રની સ્થાપના કરવા અંગે વર્ષ 2025-26 ના વર્ષે રૂ. 2.50 કરોડની નવી બાબતની જોગવાઈ કરવામાં આવી છે.
વર્ષ-2025-26 ની સામાન્ય વહીવટ વિભાગની રૂ.399.88 કરોડની માંગણીઓ વિધાનસભા ગૃહમાં પસાર કરવામાં આવી હતી.