પહેલગામ આતંકવાદી હુમલા બાદ, જમ્મુ-કાશ્મીરમાં અત્યાર સુધીમાં 6 આતંકવાદીઓના ઘર તોડી પાડવામાં આવ્યા છે. વિસ્ફોટમાં જે આતંકવાદીઓના ઘરો તોડી પાડવામાં આવ્યા હતા તેમાં લશ્કરના આસિફ શેખ, આદિલ થોકર, હરિસ અહેમદ, જૈશના અહેસાન ઉલ હક, ઝાકિર અહેમદ ગનાઈ અને શાહિદ અહેમદ કુટેનો સમાવેશ થાય છે.
પહેલગામમા આતંકવાદી હુમલાએ સમગ્ર દેશને ધ્રૂજાવી દીધો છે. આ ઘટનામાં 26 નાગરિકોએ જીવ ગુમાવ્યું હતું. ત્યારબાદ કેન્દ્ર સરકાર એક્શન મોડમાં આવી ગઈ છે. બેઠકોનો દોર પણ ધમધમી રહ્યો છે. પાકિસ્તાનના પેટમાં તેલ રેડાય એવા નિર્ણયો પણ કેન્દ્ર સરકારે લીધા છે. જે પૈકી પાકિસ્તાની નાગરીકોને ભારત છોડવા આદેશ પણ કર્યો છે. ત્યારે રાજ્ય સરકાર પણ એક્શન મોડમાં આવી ગઈ છે. ગુજરાત પોલીસે અડધી રાત્રે અમદાવાદ અને સુરતમાં સર્ચ ઓપરેશન હાથ ધર્યું હતું. સંવેદનશીલ વિસ્તારોમાંથી 500 કરતા વધારે શંકાસ્પદ વિદેશી લોકો ઝડપાયા હતા. જેમાં મોટાભાગના બાંગ્લાદેશીઓ હોવાનું માલુમ પડી રહ્યું છે.
પહેલગામ હુમલા બાદ કેન્દ્ર સરકારની સાથે ગુજરાત રાજ્ય સરકાર પણ એક્શન મોડમાં આવી ગઈ છે. આજે શનિવારે સુરત પોલીસ કમિશનર કચેરી ખાતે રાજ્યના આઈજી, પોલીસ કમિશનર, અધિકારીઓ સાથે ગૃહ રાજ્યમંત્રીની વીડિયો કોન્ફરન્સની બેઠક શરૂ થઈ ગઈ છે. આ બેઠકમાં ગેરકાયદે ઘૂસણખોરો મુદ્દે ચર્ચા થશે.
અમદાવાદમાં ક્રાઈમ બ્રાન્ચ, SOG, EOW, ઝોન-6 અને પોલીસ હેડ કવાર્ટરની ટીમોએ મળીને સયુક્ત ઓપરેશન હાથ ધર્યું હતું. જેમાં સવારના 3 વાગ્યાથી ચંડોળા તળાવના આસપાસના વિસ્તારમાંથી 457 વિદેશી નાગરિકોને પકડી પાડ્યાં હતાં. તમામ શંકાસ્પદ લોકોને દોરડા વડે કોર્ડન કરીને ક્રાઈમ બ્રાન્ચના ગ્રાઉન્ડમાં લઈ જવાયા હતાં.
અમદાવાદની સાથે સુરતમાં પણ આખી રાત સર્ચ ઓપરેશન ચાલ્યું હતું. સુરત પોલીસની 6 ટીમ જેમાં 2 DCP, 4 ACP અને 10 PI સહિત 100 પોલીસકર્મીઓ હતા. આ ટીમોએ શહેરના ઉન, સચિન, લિંબાયત, લાલગેટ, સલાબતપુરા સહિતના વિસ્તારોમાં રેડ કરી 120થી વધુ શંકાસ્પદ વિદેશી નાગરિકોની અટકાયત કરી હતી. બાદમાં તમામને પૂછપરછ અને જરૂરી ડોક્યુમેન્ટની તપાસ માટે પોલીસ હેડ કવાર્ટર લઈ જવામાં આવ્યાં હતાં.
અનંતનાગમાં સેનાનું સર્ચ, 175 લોકોની અટકાયત
પહેલગામ હુમલા બાદ જમ્મુ-કાશ્મીરમાં સેનાનું સર્ચ ઓપરેશન ચાલુ છે. આ દરમિયાન, અનંતનાગ જિલ્લામાંથી એક મોટા સમાચાર આવ્યા છે. અનંતનાગમાં 175 લોકોની અટકાયત કરવામાં આવી છે.આમાં જૈશનો અહસાન 2018માં પાકિસ્તાનથી તાલીમ લઈને પાછો ફર્યો હતો. પહેલગામ હુમલામાં આસિફ અને આદિલના નામ સામે આવ્યા હતા. સેનાએ ત્રાલ, અનંતનાગ, પુલવામા, કુલગામ અને શોપિયામાં સર્ચ ઓપરેશન દરમિયાન આ કાર્યવાહી કરી હતી. પાકિસ્તાની સેનાએ ગઈકાલ બાદ આજે વહેલી સવારે પણ નિયંત્રણ રેખા પર ભારતીય ચોકીઓ પર ગોળીબાર કર્યો. ભારતીય સેનાએ પણ આનો જવાબ આપ્યો. આ ગોળીબારમાં કોઈ નુકસાન થયું હોવાના અહેવાલ નથી.