ગુજરાત રાજ્ય પોલીસ ભરતી બોર્ડના અધ્યક્ષ હસમુખ પટેલે PSI અને લોકરક્ષક મામલે આજે એક મહત્વપૂર્ણ જાહેરાત કરી છે. તેમણે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ટ્વિટર પર જણાવ્યું છે કે PSI અને લોકરક્ષકની ભરતી માટેની શારીરિક કસોટી 15 નવેમ્બરની આસપાસ શરૂ થશે. શારીરિક કસોટી પછી તરત જ લેખિત પરીક્ષા લેવામાં આવશે. તેમણે ઉમેદવારોને સલાહ આપી છે કે તેઓ તૈયારીમાં લાગી જાય, કારણ કે પૂરતી તૈયારી વિના શારીરિક કસોટી આપવી યોગ્ય નથી અને તેનાથી શારીરિક તકલીફ થઈ શકે છે.
હસમુખ પટેલે  એક મહત્વપૂર્ણ મુદ્દો પણ ઉજાગર કર્યો છે કે PSI અને લોકરક્ષક ભરતીમાં શારીરિક કસોટીના ગુણ ગણવામાં આવતા નથી. તેથી, તેમણે ઉમેદવારોને સૂચવ્યું છે કે તેઓ શારીરિક કસોટી પાસ કરવા પૂરતો જ સમય ફાળવે અને બાકીનો મોટાભાગનો સમય લેખિત પરીક્ષાની તૈયારી માટે ઉપયોગ કરે.

આટલી જગ્યાઓ પર કરાશે ભરતી 
ગુજરાત સરકારના ગૃહ વિભાગે આજે પોલીસ દળમાં વિવિધ પદો માટે મોટાપાયે ભરતી અભિયાનની જાહેરાત કરવામાં આવી હતી. આ ભરતી અભિયાન હેઠળ કુલ 12,472 જગ્યાઓ ભરવામાં આવશે, જેમાં પોલીસ સબ ઇન્સ્પેક્ટર (PSI), લોકરક્ષક અને જેલ સિપાઈના પદોનો સમાવેશ થાય છે.