અશોક મણવર, અમરેલી તા.૨૫ જુલાઈ ૨૦૨૫ (શુક્રવાર) ગુજરાત સરકારના આરોગ્ય મંત્રી ઋષિકેશભાઇ પટેલે આજે અમરેલી જિલ્લાના બગસરામાં રુ.૪.૫૨ કરોડના ખર્ચે અદ્યતન સવલતોથી સજ્જ સામૂહિક આરોગ્ય કેન્દ્રનું લોકાર્પણ કર્યું હતું.
પવિત્ર શ્રાવણ માસના પ્રથમ દિવસે આરોગ્ય મંત્રી એ અમરેલી સ્થિત ભગવાન નાગનાથ મહાદેવના દર્શન કરીને ૩૦ બેડના આ આરોગ્ય મંદિરને ખુલ્લુ મૂકતા જણાવ્યુ કે, ભારતીય સંસ્કૃતિમાં શિક્ષણ અને આરોગ્ય સેવા સાથે જોડાયેલા છે, તે પાવન પરંપરાને કેન્દ્ર- રાજય સરકાર આગળ વધારી રહી છે, આયુષ્માન કાર્ડ હેઠળ મોટાભાગની આરોગ્ય સેવાઓને આવરી લેવામાં આવી છે, દરેકને સ્વમાનભેર આરોગ્યના લાભો મળે તે માટે પીએચસી, સીએચસી, પેટા આરોગ્ય કેન્દ્ર વગેરે આરોગ્ય સેવાનું આધુનિકીકરણ કરવામાં આવી રહ્યું છે.
નવનિર્મિત બગસરા સામૂહિક આરોગ્ય કેન્દ્રમાં લેબોરેટરી, એક્સ રે, ઓપરેશન રુમ, ફિઝીયોથેરાપી, ટીબી વિભાગ સહિતની સુવિધાઓ સાથેના આ નવા બિલ્ડિંગમાં ઉપલબ્ધ છે, તેમાં ઉમેરો કરવાનો ઉલ્લેખ કરતા મંત્રીએ વચન પણ આપ્યું કે, એક માસની અંદર આ આરોગ્ય કેન્દ્રમાં ડાયાલિસિસ વિભાગ શરુ કરવામાં આવશે. જેથી બગસરા શહેર અને આજુબાજુના ગ્રામ્ય વિસ્તારના લોકોને ડાયાલિસિસ માટે અમરેલી સુધી લાંબુ નહિ થવું પડે.
તેમણે ઉમેર્યુ કે, સામૂહિક આરોગ્ય કેન્દ્ર બગસરા શહેરની મધ્યમાં હોવાથી લોકોને ખૂબ સરળતાપૂર્વક આરોગ્ય સેવાઓ મળી રહેશે.આરોગ્ય મંત્રી એ ભારત વર્ષની ઉજળી જ્ઞાન પરંપરા અને સનાતન સંસ્કૃતિનો ઉલ્લેખ કરી કહ્યુ કે, ભારતીય સંસ્કૃતિ અજય અમર રહી છે, ત્યારે ૨૧મી સદીનું પ્રભાત સમગ્ર દેશમાં ગુજરાતમાં શરુ થયું છે. તેમણે કહ્યુ કે, પ્રધાનમંત્રી નરેન્દ્ર ભાઈ મોદીએ ભારતની પ્રજાના સામર્થ્યને સમગ્ર વિશ્વ સમક્ષ મૂકીને દેશના વિકાસના નવા આયામો સર કર્યા છે.મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વમાં ગુજરાત સરકાર ભૌગોલિક વિસ્તાર અને અંતરની દ્રષ્ટિ એ પણ ઝડપી આરોગ્ય સેવાઓ મળે તે દિશામાં પણ કામ કરી રહી છે.
તેમણે વધુમાં કહ્યુ કે, વિકાસની રાજનીતિથી સતત જનતાએ વિશ્વાસ મૂક્યો છે અને વિકાસની સતત ચાલતી આ પ્રક્રિયામાં લોકોને જરુરી સુવિધાઓ પૂરી પાડવા માટે ગુજરાત સરકાર પ્રતિબદ્ધ છે.
આરોગ્ય મંત્રી એ અમરેલી જિલ્લાના સાહિત્ય અને લોકસેવાને વરેલા ઝવેરચંદ મેઘાણી, કવિ દુલા ભાયા કાગ, કવિ કલાપી, ભૂતપૂર્વ મુખ્યમંત્રી જીવરાજ મહેતા, પી.કે. લહેરી, કે. લાલ, રમેશ પારેખ, વસંત પરીખ વગેરે પ્રતિભાઓને પણ સગૌરવ યાદ કર્યા હતા. આ પ્રસંગે ધારી બગસરાના ધારાસભ્ય જે.વી. કાકડીયાએ પ્રાસંગિક સંબોધનમાં કહ્યુ કે, ગુજરાત સરકારે સામૂહિક આરોગ્ય કેન્દ્ર આપવાની સાથે સાયન્સ કોલેજ પણ આપી છે, આમ, નાગરિકોને કોઈ સુવિધાઓ ઘટે નહિ તે દિશામાં કામ કરવામાં આવી રહ્યું છે.
જિલ્લા ભાજપ પ્રમુખ અતુલ કાનાણીએ પણ પ્રસંગોચિત સંબોધન કરતા આરોગ્ય સવલતો અને કેન્દ્ર- રાજ્ય સરકારની યોજનાઓ જનધન સુધી પહોંચી છે તેનો ઉલ્લેખ કર્યો હતો. આ પ્રસંગે વિશ્વ હિન્દુ પરિષદ અને વેપારી મંડળના હોદ્દેદારોએ આરોગ્ય મંત્રી નું વિશેષ સ્વાગત સન્માન કર્યું હતું. કાર્યક્રમના પ્રારંભે મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી આર.એમ. જોષીએ શાબ્દિક સ્વાગત કર્યુ હતુ.
ઉલ્લેખનીય છે કે, આ નવનિર્મિત ફાયર સેફટી સાથેના સીએચસીમાં ભોંયતળિયા તથા બે નિર્મિત કરવામાં આવ્યા છે. જેમાં લીફટ, ડ્રેનેજ, પાણી પુરવઠો, ઓપરેશન થિયેટર, પુરુષ તથા મહિલા દદીઁઓના વોર્ડ વગેરેનો સમાવેશ થાય છે.
મળશે આટલી સુવિધા
આ સામૂહિક આરોગ્ય કેન્દ્રમાં ૩ મેડિકલ, ૧ ડેન્ટલ, ૩ લેબ ટેક્નિશિયન, ૧ ફિઝિયોથેરાપીસ્ટ, ૧ એક્સ રે ટેકનીશીયન સહિત ૩૩ અધિકારી કર્મચારીઓનું મહેકમ કાર્યરત રહેશે. જેમાં જનરલ વિભાગ, લેબર રુમ, ઓપરેશન રુમ, એન. બી.એસ.યુ., આઈ. સી.ટી.સી., ટીબી વિભાગ વગેરેનો સમાવેશ થાય છે.
આ પ્રસંગે લાઠી બાબરાના ધારાસભ્ય જનકભાઈ તળાવીયા, જિલ્લા વિકાસ અધિકારી પરિમલ પંડ્યા, જિલ્લા આરોગ્ય સમિતિ ચેરમેન અશ્વિનભાઈ કુંજડિયા, પૂર્વ ધારાસભ્ય નલીનભાઈ કોટડીયા, તાલુકા પંચાયત પ્રમુખ મતી શારદાબેન બકરાણીયા, વિભાગીય નિયામક એચ.બી. વાળા, પ્રાંત અધિકારી કમલેશ નંદા, અગ્રણી સર્વ જીતુભાઈ ડેર, ઘનશ્યામભાઈ સાદરાણી, એ.વી. રીબડીયા સહિતના પદાધિકારી – અધિકારી અને સ્થાનિક લોકો ઉપસ્થિત રહ્યા હતા.