રજિસ્ટ્રાર જનરલ ઓફ ઈન્ડિયા (RGI) દ્વારા ગુરુવારે જાહેર કરવામાં આવેલા આંકડા અનુસાર, વર્ષ 2020માં 170થી વધુ દેશોમાં 51,000થી વધુ ભારતીય બાળકોનો જન્મ થયો છે. લગભગ 10.817 ભારતીયો વિદેશમાં મૃત્યુ પામ્યા.
RGIના રિપોર્ટ ‘ઇન્ડિયાઝ વાઇટલ સ્ટેટિસ્ટિક્સ બેઝ્ડ સિવિલ રજિસ્ટ્રેશન સિસ્ટમ ફોર 2020’ અનુસાર, 2020 માં યુનાઇટેડ આરબ અમીરાત (UAE)માં વિદેશમાં જન્મેલા સૌથી વધુ છે.
રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે 2020માં નાગરિકતા અધિનિયમ 1955 હેઠળ વિદેશમાં ભારતીય મિશન અને પોસ્ટ્સ પર ભારતીય નાગરિકોના જન્મ અને મૃત્યુની નોંધણી કરવામાં આવી હતી. રિપોર્ટ અનુસાર, વર્ષ 2020માં 170 દેશોમાં વિદેશમાં 51,089 ભારતીય બાળકોનો જન્મ થયો હતો. આવા બાળકોની સૌથી વધુ સંખ્યા યુએઈમાં હતી, જ્યાં 16,469 ભારતીય બાળકોનો જન્મ થયો હતો. સાઉદી અરેબિયામાં જન્મેલા ભારતીય બાળકોની સંખ્યા 6074 રહી.
અમેરિકામાં 37, પાકિસ્તાનમાં ચાર ભારતીય બાળકોનો જન્મ
આ સિવાય અન્ય દેશોમાં જન્મેલા ભારતીય બાળકોની સંખ્યા કુવૈતમાં 4202, કતારમાં 3936, ઈટાલીમાં 2352, ઓસ્ટ્રેલિયામાં 2316, ઓમાનમાં 2177, બહેરીનમાં 1567, જર્મનીમાં 1400 અને સિંગાપોરમાં 1358 હતી. સ્પેનમાં 768, દક્ષિણ આફ્રિકામાં 620, બ્રિટનમાં 578, સ્વીડનમાં 388, ઝામ્બિયામાં 156, અમેરિકામાં 37 અને પાકિસ્તાનમાં ચાર બાળકોનો જન્મ થયો છે.
સૌથી વધુ ભારતીય નાગરિકોના મોત સાઉદી અરેબિયામાં થયા છે
રિપોર્ટ અનુસાર, વર્ષ 2020 માં વિદેશમાં જીવ ગુમાવનારા કુલ 10,817 ભારતીયોમાંથી 3754 સાઉદી અરેબિયામાં મૃત્યુ પામ્યા હતા. આ સિવાય UAEમાં 2454, કુવૈતમાં 1279, ઓમાનમાં 630, કતારમાં 386, બહેરીનમાં 312, યુએસમાં 254, ઈટાલીમાં 216, સિંગાપોરમાં 166, યુકેમાં 19 અને પાકિસ્તાનમાં છ ભારતીયોના મોત થયા છે.







