રાજ્યમાં એક તરફ ચોમાસાની વિદાય અને બીજુ બાજુ મેઘરાજાની ધોધમાર વરસાદી બેટિંગ પણ ચાલુ છે. ગુજરાતમાં આ વરસાદનો છેલ્લો રાઉન્ડ છે એવું કહેવાય રહ્યું છે. ત્યારે 30 સપ્ટેમ્બર સુધી વરસાદી માહોલ યથાવત રહેશે. ખંભાતના અખાતમાં સાયક્લોનિક સર્ક્યુલેશનની અસરથી ગુજરાતમાં સારો વરસાદ પડી રહ્યો છે.
ગુજરાતમાં ચોમાસાની વિદાય વચ્ચે પણ ભાદવરામાં વરસાદે ભુક્કા બોલાવ્યા છે. સતત ત્રીજા દિવસે ગુજરાતમાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. હવામાન વિભાગે 3 ઓક્ટોબર સુધી ગુજરાતમાં વરસાદની આગાહી કરી છે. નવરાત્રીના 6 દિવસ પહેલા જ ગુજરાતમાં વરસાદથી ખેલૈયાઓની ચિંતામાં પણ વધારો થયો છે. અમદાવાદ, જસદણ, ખેડાના નડિયાદ અને અમરેલીમાં ગાજવીજ સાથે વરસાદથી વાતાવરણમાં ઠંડક તો વળી છે પણ પાણી ભરાવાના દ્રશ્યો પણ સામે આવ્યા છે.
ગુજરાતમાં 30 સપ્ટેમ્બર સુધી વરસાદી માહોલ રહેશે. ખંભાતના અખાતમાં સક્રિય સર્ક્યુલેશનની અસરથી ગુજરાતમાં વરસાદ વરસી રહ્યો છે. જો કે આગામી દિવસમાં ગુજરાતમાં વરસાદની તીવ્રતા વધશે તેવી પણ આગાહી હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીએ કરી છે. પૂર્વ સૌરાષ્ટ્ર, દક્ષિણ ગુજરાત, વડોદરા અને મધ્ય ગુજરાતમાં ભારે વરસાદ વરસી શકે છે. ઉલ્લેખનીય છે કે છેલ્લા ત્રણ દિવસથી ગુજરાતમાં વરસાદી માહોલ જામ્યો છે, ત્યારે હજુ આગામી ત્રણ દિવસ ગુજરાતમાં વરસાદ રહેશે તેવી આગાહી કરાઈ છે.
ગુજરાત રાજ્યની આસપાસ હાલમાં બે વરસાદની સિસ્ટમ સક્રિય છે. જેમાં એક મોનસુન ટ્રફ જે દક્ષિણ ગુજરાત ઉપરથી પસાર થઈ રહ્યું છે. તથા અન્ય એક સિસ્ટમ કે જે દક્ષિણ પશ્ચિમ મધ્ય પ્રદેશ ઉપર સાયક્લોનિક સર્ક્યુલેશન સ્વરૂપે સક્રિય છે. તેને કારણે આગામી 48 કલાક ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદની શક્યતાઓ છે. ઉલ્લેખનીય છે કે, આજે એટલે કે 27 સપ્ટેમ્બરના રોજ કેટલાક જિલ્લાઓમાં અતિભારેથી અત્યંત ભારે વરસાદની શક્યતાઓ છે. પરંતુ આવતીકાલથી વરસાદની તીવ્રતામાં ઘટાડો થઈ શકે છે. આવતીકાલે એટલે કે, 28 સપ્ટેમ્બરના રોજ દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના જિલ્લાઓમાં ભારે વરસાદની શક્યતાઓ છે. આ ઉપરાંત દરિયાકાંઠાના વિસ્તારોમાં માછીમારોને દરિયો ન ખેડવા પણ સૂચના આપવામાં આવી છે.







