આજે દશેરાનું પર્વ છે ત્યારે આજના આ પર્વ પર જામનગરથી એક ઐતિહાસિક નિર્ણય આવ્યો છે. જામનગરના જામસાહેબે પોતાના ઉત્તરાધિકારીની જાહેરાત છે. દશેરાની શુભેચ્છા આપતા આ ઐતિહાસિક નિર્ણય તેમણે લીધો છે.
રાજવી પરિવારનો બહુ મોટો ઐતિહાસિક નિર્ણય જાહેર કરતાં જામ સાહેબ શત્રુશલ્યસિંહજી મહારાજે વિજયાદશમીની પૂર્વ સંધ્યાએ વારસદાર તરીકે અજયસિંહજી જાડેજાની જાહેરાત કરી છે. જામ રાજવી શત્રુશલ્યસિંહજીએ કહ્યું કે, “અજય પણ જામનગરની વહાલસોયા જનતાનું ખૂબ ધ્યાન રાખશે. દશેરાનો દિવસ એ દિવસ માનવામાં આવે છે કે, પાંડવોએ 14 વર્ષ પોતાના અસ્તિત્વને છુપાવી સફળતાપૂર્વક પૂર્ણ કરીને વિજય મેળવ્યો હતો. આજે દશેરાના દિવસે મને પણ તેવો જ આનંદ થાય છે. કારણ કે, મને એક મારી મુંજવણમાંથી ઉકેલ મળ્યો છે અને તેની સફળતા આપનાર અજય જાડેજા છે, જેમણે મારા વારસદાર થવાનું સ્વીકાર્યું છે. અજય જાડેજા જામનગરની પ્રજાની સેવાની જવાબદારી ઉઠાવે તે જામનગરની પ્રજા માટે ખરેખર વરદાનરૂપ છે.
મહત્વનું છે કે, 585 વર્ષ પૂર્વે જામ રાજવી જામ રાવળે કચ્છથી આવી જામનગરની સ્થાપના કરી હતી. અજય જાડેજાના પિતા દોલતસિંહ જામનગરના સાંસદ રહી ચૂક્યા છે. અજય જાડેજાના પિતા સ્વ. દોલતસિંહ જાડેજા કોંગ્રેસના દિગ્ગજ નેતા હતા. તેઓ જામનગર સંસદીય બેઠક પર વર્ષ 1971, 1980 અને 1984માં યોજાયેલી લોકસભાની ચૂંટણીમાં સાંસદ તરીકે ચૂંટાયા હતા.અજય જાડેજા ભૂતપૂર્વ ક્રિકેટર છે. જેમની ગણતરી ક્રિકેટના શ્રેષ્ઠ ઓલરાઉન્ડર ખેલાડીઓમાં થતી હતી. અજયજાડેજા પોતે પણ જામનગરના એક રાજવી પરિવારમાં જન્મેલા અને રાજવી પરિવારમાંથી આવે છે.
અજય જાડેજાની ક્રિકેટ કારકિર્દી 1992થી 2000 સુધી ચાલી હતી જેમાં તે ભારતના સ્ટાર બેટર પણ રહી ચૂક્યા હતા. અજય જાડેજાએ પોતાની વન-ડે કારકિર્દીમાં 196 મેચ રમી હતી. ભારતીય ક્રિકેટ ટીમના નિયમિત બેટર હોવા ઉપરાંત અજય જાડેજા પણ સારી બોલિંગ કરી શક્તા હતા.

જામ સાહેબ એ નવાનગરના શાસક રાજકુમારનું બિરુદ છે જે હવે ગુજરાતમાં જામનગર છે. જામસાહેબ રાજપૂતોના જામ જાડેજા કુળના હતા. જામ રાવલજી 1540માં નવાનગરના પ્રથમ જામ સાહેબ હતા. તેમણે કચ્છમાંથી સ્થળાંતર કરીને હાલાર પ્રદેશમાં નવાનગરની સ્થાપના કરી હતી. તેમાં 999 ગામોનો સમાવેશ થાય છે. હાલના જામ સાહેબ શત્રુશલ્ય સિંહજી નિઃસંતાન છે, આ કારણે તેમને તેમના વારસદારની પસંદગી કરવી પડી, જે તેમણે અજય જાડેજાના રૂપમાં કર્યું. જામ સાહેબ શત્રુશલ્ય સિંહજીના પિતા દિગ્વિજય સિંહ હતા જેઓ 33 વર્ષ સુધી જામ સાહેબ રહ્યા. તેમના કાકા રણજીતસિંહજીએ તેમને દત્તક લીધા હતા અને તેમના વારસદાર બનાવ્યા હતા.
શત્રુસલ્યસિંહજી ભૂતપૂર્વ ફર્સ્ટ ક્લાસ ક્રિકેટર છે અને નવાનગરના મહારાજાનું બિરુદ ધરાવનાર છેલ્લા વ્યક્તિ છે. ક્રિકેટમાંથી નિવૃત્તિ પછી 1972 સુધી શત્રુસલ્યસિંહજી સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોસિએશનના વડા હતા. તેમણે 1958-59ની સિઝનમાં બોમ્બે સામે સૌરાષ્ટ્ર તરફથી રમતા પ્રથમ-વર્ગમાં પ્રવેશ કર્યો હતો. તેણે 1959-60માં સૌરાષ્ટ્ર માટે ત્રણ, 1961-62માં ચાર અને 1962-63માં ચાર મેચ રમી હતી. શત્રુશલ્યસિંહજીએ 1966-67માં રણજી ટ્રોફીમાં સૌરાષ્ટ્રની કપ્તાની કરી હતી, જે ફર્સ્ટ-ક્લાસ ક્રિકેટની અંતિમ સિઝન હતી. તેમણે મોઇન-ઉદ-દૌલા ગોલ્ડ કપ ટુર્નામેન્ટની ફાઇનલમાં ભારતીય સ્ટારલેટ્સની કેપ્ટનશિપ કરી હતી.







