12 ઓક્ટોબરે બોટાદમાં ખેડૂતો અને પોલીસ વચ્ચે ઘર્ષણની ઘટના બની હતી ત્યાં ફરી પાછી અમરેલીમાં પણ એ જ પ્રકારની ઘટના સામે આવી હતી. અમરેલીના બગસરા તાલુકામાં યોજાયેલા રવિ કૃષિ મહોત્સવ દરમિયાન પોલીસ અને ખેડૂતો વચ્ચે તણાવ સર્જાયો હતો. બગસરા શહેરના સ્વામીનારાયણ મંદિર ખાતે યોજાયેલ આ મહોત્સવમાં આપ પાર્ટી સાથે જોડાયેલા પ્રગતિશીલ ખેડૂતોને પ્રવેશથી રોકાયા બાદ વિવાદ ઉભો થયો. પોલીસે કેટલાક ખેડૂતોને અટકાવ્યા બાદ મહિલા ખેડૂત અગ્રણી ભાવનાબેન સતાસીયા સાથે સમજાવટ કર્યા બાદ તેમને મહોત્સવમાં પ્રવેશ આપવામાં આવ્યો, પરંતુ અન્ય ખેડૂતોને હજુ પણ અંદર પ્રવેશ ન આપતા ખેડૂતોએ રોષ વ્યક્ત કર્યો. કાર્યક્રમના સ્થળ પર પારસ સોજીત્રા અને ભાવેશ ગોધાણી સહિતના ખેડૂતો હાજર રહ્યા હતા. ખેડૂતોનું કહેવું હતું કે, “રવિ કૃષિ મહોત્સવ તો સૌ ખેડૂતો માટે છે, પરંતુ અમુક ખેડૂતોને રાજકીય કારણોસર રોકવામાં આવી રહ્યા છે, જે અન્યાય છે.”પોલીસ તંત્રના હસ્તક્ષેપ બાદ સ્થિતિ કાબૂમાં આવી, છતાં ખેડૂતોમાં અસંતોષ વ્યાપ્યો રહ્યો હતો.
બોટાદમાં શું થયું હતું?
બોટાદ APMCમાં કપાસ અને અન્ય જણસમાં કડદો કરી ચલાવતી લૂંટ બંધ કરવા માટે ખેડૂતો સાથે મહાપંચાયત કરવાની આમ આદમી પાર્ટીએ જાહેરાત કરી હતી. જેના માટે મંજૂરી માંગવામાં આવી હતી પરંતુ મહાપંચાયતની મંજૂરી મળી ન હતી. જે બાદ બોટાદ APMCમાં મોટી સંખ્યામાં ખેડૂતો અને આમ આદમી પાર્ટીના નેતાઓ ભેગા થઈ ગયા હતા. જે બાદ ત્યાં જ ખેડૂતો સાથે મહાપંચાયત યોજવામાં આવી હતી. જે વચ્ચે પોલીસ અને ખેડૂતો વચ્ચે ઘર્ષણ થયું હતું. જેમાં ગાડીઓમાં તોડફોડ અને પથ્થરમારો પણ કરવામાં આવ્યો હતો. ખેડૂતો અને પોલીસ વચ્ચેના ઘર્ષણમાં ભાજપના સમર્થકોએ પથ્થરમારો કર્યો હોવાનો આમ આદમી પાર્ટીએ આક્ષેપ કર્યો છે.
સ્ટોરી ઈનપુટ: અશોક મણવર અમરેલી