અમરેલીના પાડરસીંગામાં ખેડૂતે કારને આપી અનોખી વિદાઇ, સંતોની હાજરીમાં આપવામાં આવી સમાધિ
અમરેલી જિલ્લાના પાડરસીંગા ગામમાં એક અનોખો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. અહીં એક ખેડૂતે પોતાની જૂની કારને સમાધિ આપીને સ્મારક બનાવ્યું છે. આ દરમિયાન વિધિ મુજબ પૂજા કરવામાં આવી હતી અને સમગ્ર ગામમાં ખૂબ જ ધામધૂમથી કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. સંતોની હાજરીમાં ખાડો ખોદીને કારનેસમાધિ આપવમાં આવી હતી.
તમે અત્યાર સુધી સંતો અથવા કેટલાક વિશેષ સમુદાયોને સમાધિ આપવા વિશે સાંભળ્યું હશે, પરંતુ અમરેલી જિલ્લામાં એક અલગ જ કિસ્સો સામે આવ્યો છે. અમરેલીના લાઠી તાલુકાના પાડરસીંગા ગામમાં ખેડૂત સંજય પોલારાએ પોતાની જૂની કારને દાટીને સ્મારક બનાવ્યું છે.
અમરેલીના લાઠી તાલુકાના પાદરશીંગા ગામમાં લોકો પૂરા ઉત્સાહ સાથે ઢોલ અને ડીજે વગાડી રહ્યા હતા. અહીં ખેડૂત સંજય પોલારાની જૂની કારને ફૂલોથી શણગારવામાં આવી હતી. સંતો-મહંતોની વિશેષ ઉપસ્થિતિમાં કારને વિદાઇ આપવા સમગ્ર ગામ ઉમટી પડ્યું હતું. સંજય પોલારાએ વર્ષ 2013-14માં આ કાર ખરીદી હતી. ખેડૂત સંજય પોલારાનું માનવું છે કે આ ફોર-વ્હીલરને કારણે તેમનું જીવન આગળ વધ્યું છે, તેથી તેઓ પોતાનું વાહન વેચવાને બદલે તેને સમાધિ આપવા માંગતા હતા.
ખેડૂત સંજય પોલારાનું માનવું છે કે આ કાર તેમના જીવનનો મહત્વનો ભાગ રહી છે અને તેમની પ્રગતિમાં ફાળો આપ્યો છે. આ કારને પોતાના જીવનનો ‘ભાગ્યશાળી સાથી’ માનીને તેણે તેને સમાધિ આપવાનું યોગ્ય માન્યું. આ અનોખા કાર્યક્રમમાં ગામના તમામ લોકોએ ભાગ લીધો હતો.
મંત્રોચ્ચાર સાથે આપવામાં આવી વિદાઇ
આ અનોખા કાર્યક્રમમાં વિશેષ પૂજા માટે મંત્રોચ્ચાર કરવામાં આવ્યા હતા અને અંતિમ સંસ્કાર જેવી વિધિ સાથે કારને જમીનમાં દાટી દેવામાં આવી હતી. આ પ્રસંગે સુરત, અમદાવાદ અને આસપાસના વિસ્તારોમાંથી સંજયના સંબંધીઓ અને અન્ય લોકો ભાગ લેવા આવ્યા હતા. સંજયના મિત્ર રાજુભાઈ જોગાણીએ જણાવ્યું કે આ પહેલ ખૂબ જ પ્રેરણાદાયી છે. પાડરસીંગા ગામમાં યોજાયેલા આ અનોખા કાર્યક્રમની સમગ્ર અમરેલી જિલ્લામાં ચર્ચા થઈ રહી છે.







