ગાંધીના ગુજરાતમાં હવે મળશે હવે દારૂની છૂટ : સરકારે કરી આ પ્રકારની જાહેરાત…
ગુજરાતમાં સરકારે દારૂ પર પ્રતિબંધ મૂક્યો છે. ત્યારે ગુજરાતના પાટનગર ગાંધીનગરના એક વિસ્તારમાં દારૂને છૂટ આપવાના સમાચાર સામે આવ્યા રહ્યા છે. સરકારે ગાંધીનગરમાં આવેલી ગિફ્ટ સિટીમાંથી દારૂબંધીની પરવાનગી હળવી કરી છે.
સરકારે પ્રેસનોટ જાહેર કરી માહિતી આપી હતી, જેમાં જણાવ્યુ હતું ગુજરાત ઇન્ટરનેશનલ ફાઇનાન્સિયલ ટેક સિટીએ ગ્લોબલ ફાઇનાન્સિયલ અને ટેક્નોલોજીનું હબ છે. ત્યારે ગિફ્ટ સિટીમાં સ્થાપાયેલી આંતરરાષ્ટ્રીય અને રાષ્ટ્રીય સ્તરની કંપનીઓ માટે ગ્લોબલ બિઝનેસ ઇકોસિસ્ટમ પ્રોવાઇડ કરવાના હેતુથી સમગ્ર ગિફ્ટ સિટી વિસ્તારમાં ‘વાઇન એન્ડ ડાઇન’ ફેસિલિટી ઉપલબ્ધ કરાવવા માટે પ્રોહિબીશનના નિયમોમાં ફેરફાર કરવા માટે ઉચ્ચ કક્ષાએ નિર્ણય લેવામાં આવ્યો છે.
પ્રેસનોટમાં જણાવ્યા પ્રમાણે, ગિફ્ટ સિટીમાં કામ કરતા બધા કર્મચારી અને માલિકોને લીકર એક્સેસ પરમિટ આપવામાં આવશે. જેના દ્વારા વાઇન એન્ડ ડાઇન આપતી ગિફ્ટ સિટીની હોટેલ્સ, રેસ્ટોરાં અને ક્લબમાં લીકરનું સેવન કરી શખાશે. આ સિવાય કંપની જેને ઓથોરાઇઝ કરે તેવા મુલાકાતીઓને પણ ટેમ્પરરી પરમિટથી આવી હોટેલ્સ, રેસ્ટોરાં કે ક્લબમાં જે તે કંપનીના કાયમી કર્મચારીની હાજરીમાં લીકરનું સેવન કરવાની જોગવાઈ કરવામાં આવશે. ગિફ્ટ સિટીમાં આવેલી હોટેલ્સ, રેસ્ટોરાં અને ક્લબ પોતાને ત્યાં વાઇન એન્ડ ડાઇન ફેસિલિટી એટલે કે એફએલ3 પરવાના મેળવી શકશે. ગિફ્ટ સિટીમાં અધિકૃત રીતે કામ કરતા કર્મચારીઓ અને અધિકૃત રીતે મુલાકાત લેતા મુલાકાતીઓ હોટેલ્સ, ક્લબ કે રેસ્ટોરાંમાં લીકરનું સેવન કરી શખશે. પરંતુ વેચાણ કરી શકશે નહીં.
આખા ગુજરાતમાં અમલવારી કરાવો : પૂર્વ મુખ્યમંત્રી શંકરસિંહ વાઘેલા
ગાંધીનગરના ગિફ્ટ સિટીમાં દારૂની છૂટના નિર્ણય અંગે પૂર્વ મુખ્યમંત્રી શંકરસિંહ વાઘેલાએ પ્રતિક્રિયા આપી છે. તેમણે કહ્યું કે, પહેલ કરી છે તો આખા ગુજરાતમાં અમલવારી કરાવો. માત્ર રૂપિયાવાળાને દારૂની છૂટ ન આપો. લઠ્ઠા જેવો દારૂ પીવો એના કરતા સારો દારૂ પીવાય. ચોરી છૂપીથી દારૂ પીવો એના કરતા છૂટથી દારૂ પીવો સારો. સસ્તો અને સારો દારૂ મળે તે જરૂરી. દારૂ ન મળતો હોવાના કારણે ડેસ્ટિનેશન મેરેજનો ક્રેઝ વધ્યો છે. કરમસદ, વડનગર, ધોલેરા સર, કચ્છના ધોરડો અને મહાત્મા મંદિરમાં દારૂની છૂટ આપો. આ સાથે શંકરસિંહે મોટો દાવો કરતા કહ્યું કે, સ્ટેચ્યૂ ઓફ યુનિટી પર દારૂની અપાશે. છૂટ આપવી હોય તો આખા ગુજરાતમાં આપો. દારૂબંધીની નીતિના કારણે ગુજરાતનું યુવાધન ડ્રગ્સના રવાડે ચડ્યું છે. જોકે હું દારૂ પીતો નથી અને કોઈ પીવે એ મને ગમતું નથી. દારૂબંધીની નીતિ દંભી છે.
દારૂ પીવાની છૂટ આપી એમાં આભ નથી ફાટી પડવાનું : કૃષિ મંત્રી રાઘવજી પટેલ
ગિફ્ટ સિટીમાં દારૂની છૂટ મુદ્દે કૃષિ મંત્રી રાઘવજી પટેલે કહ્યું હતું કે, સરકારના નિર્ણયને હું આવકારું છું. આંતરરાજ્ય અને ઈન્ટરનેશનલ જે વેપારના કારણે જે લોકો આવતા હોય છે, તેમની જરૂરિયાતો સચવાય તે પણ જરૂરી છે. એટલે આપણા વેપારને વેગ મળે અને વિદેશીઓ અને બીજા રાજ્યના લોકો આવે અને સગવડતા સચવાય તે માટે રાજ્ય સરકારે જે નિર્ણય લીધો તે યોગ્ય છે. દારૂ પીવાની છૂટ આપી એમાં આભ નથી ફાટી પડવાનું, આમાં તો વેપારને વેગ મળશે.
ગુજરાતમાં પાછલા બારણે દારૂબંધી દૂર કરવાનો નિર્ણય ઘાતક અને દુઃખદ : શક્તિસિંહ ગોહિલ
ગિફ્ટ સિટીમાં દારૂબંધી હટાવવાના નિર્ણય અંગે ગુજરાત કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ શક્તિસિંહ ગોહિલે પ્રતિક્રિયા આપતા કહ્યું કે, ગુજરાતમાં પાછલા બારણે દારૂબંધી દૂર કરવાનો નિર્ણય ઘાતક અને દુઃખદ છે. રાજ્ય સરકારના આ નિર્ણયથી હું વ્યથિત છું. દારુબંધીના કારણે જ ગુજરાતનો વિકાસ થઈ રહ્યો છે. દારૂબંધીના કારણે રાત્રે બે-ત્રણ વાગ્યે દીકરી એકલી ઘરે જઈ શકે છે. બહારથી ઉદ્યોગપતિઓ આવીને ઉદ્યોગ નાખે છે. કામદાર અવળા રસ્તે નહીં જાય અને આઉટપુટ સારું મળશે તેવા હેતુથી ઉદ્યોગપતિઓ ગુજરાતમાં ઉદ્યોગ સ્થાપે છે. કોંગ્રેસ સરકારમાં સૌથી વધારે સાચું મૂડી રોકાણ આવ્યું તો ગુજરાત હતું. 1992નો સમય ક્યારેય ન ભૂલી શકાય છે. એશિયાની સૌથી બે કંપનીઓ જામનગરમાં આવી. આખો ઈન્ડસ્ટ્રીયલ કોરિડોર બન્યો. ગિફ્ટ સિટીમાં જે શહેરનું નામ મહાત્મા ગાંધી સાથે જોડાયેલું છે ત્યાં દારૂની છૂટ, ત્યાં રેસિડેન્સિયલ એરિયા પણ છે. કોઈ દારૂ પીને પકડાશે અને કહેશ કે હું તો ગિફ્ટ સિટીમાંથી આવું છે એટલે છૂટ. રાજ્યમાં પોલીસ દ્વારા ચાલતી હપ્તા પદ્ધતિ બંધ થવી જોઈએ. રાજ્યના યુવાનોની બુદ્ધિમતતા અને કૌશલ્યના કારણે તેઓ ઈંગ્લેન્ડ, આફ્રિકા અને અમેરિકા જેવા દેશોમાં ત્યાંના યુવાનો કરતા સારું પરફોર્મન્સ કરી રહ્યા છે. ત્યાં હોટેલ અને કંપનીઓના માલિક બને છે. આ યુવાનને તમે દારુના રવાડે ચડાવીને છૂટ આપીને કઈ દિશામાં લઈ જઈ રહ્યા છીએ. મારી આ વાત યોગ્ય લાગતી હોય તો રાજ્ય સરકાર પોતાનો નિર્ણય મૂલતવી રાખે.
આબુના બદલે ગુજરાતમાં જ દારૂની વ્યવસ્થા મળશે : ગેનીબેન ઠાકોર
ગુજરાત કોંગ્રેસના ધારાસભ્ય ગેનીબેન ઠાકોરે કહ્યું કે, દારૂડિયાઓને છૂટ આપવા માટે અને બુટલેગરોને મોટો ધંધો થાય તે માટે ગાંધીનગરના ગિફ્ટ સિટીમાં દારૂની છૂટ આપી તે નિંદનિય છે. કોઇપણ માણસ ક્રાઈમ કરશે, કોઈને નુકસાન કરશે, દારુ પીધેલો પકડાશે તો સમગ્ર ગુજરાતમાં એક જ વાત આવશે કે અમે ગિફ્ટી સિટીમાં દારૂ પીધો છે. ત્યારે હવે ગુજરાતના દારૂડિયાઓને અને બુટલેગરોને જે માઉન્ટ આબુ અને બીજા રાજ્યમાં જવું પડતું હતું જેના બદલે ગુજરાતમાં જ વ્યવસ્થા મળશે. દારૂ મામલે સરકારનો આ નિર્ણય યોગ્ય નહીં.
આ મારો કોઈ વિષય નથી : કથાકાર મોરારીબાપુ
રાજ્યના પાટનગર ગાંધીનગરમાં આવેલ ગિફ્ટ સિટીમાં લિકર પરમિટ મુદ્દે હવે રાજકારણ ગરમાયું છે. અનેક રાજકીય નેતાઓના નિવેદનો સામે આવ્યા તો અનેક લોકોએ સોશિયલ મીડિયામાં આ નિર્ણયનો વિરોધ અને સમર્થન કરતાં જોવા મળ્યા હતા. આ બધાની વચ્ચે કથાકાર મોરારીબાપુએ આ બાબતે પ્રતિક્રિયા આપવાનો ઇનકાર કર્યો હતો. સરકારના રિપોર્ટનો અભ્યાસ કર્યો નથી, દારૂ મુક્તિ મામલે હાલમાં વિશેષ કંઈપણ કહી શકું નહી, આ મારો કોઈ વિષય નથી. મહત્વનું છે કે, ગઈકાલે કરાયેલ આ નિર્ણય બાદ અનેક લોકોના નિવેદન પણ સામે આવી રહ્યા છે.