છેલ્લા કેટલાક વર્ષથી હાર્ટ એટેકની સાથે બ્રેઇન સ્ટ્રોક ના કેસમાં પણ ભયજનક વધારો થઇ રહ્યો છે.  જેમાં યુવાનોમાં બ્રેઇન સ્ટ્રોક નું પ્રમાણ મોટા પ્રમાણમાં વધ્યું છે. અમદાવાદની સરકારી તેમજ ખાનગી હોસ્પિટલોમાં સ્ટ્રોકના કેસમાં બમણો વધારો જોવા થયો છે.

પહેલા વૃદ્ધોમાં બ્રેઇન સ્ટ્રોકના કેસ વધારે જોવા મળતાં અને યુવાનોમાં તેનું પ્રમાણ સામાન્ય હતું. તેની સરખામણીએ હવે 40થી ઓછી વયના યુવાનોમાં પણ બ્રેઇન સ્ટ્રોક ના કેસમાં વધારો થઇ રહ્યો છે. છેલ્લા કેટલાક વર્ષોમાં યુવાનોમાં બ્રેઇન સ્ટ્રોક ના પ્રમાણમાં બમણો વધારો થયો છે.

આ અંગે ડોક્ટરોના મતે હાર્ટ એટેકમાં જે રીતે લોકોમાં જાગૃતિ વધી રહી છે તે રીતે બ્રેઇન સ્ટ્રોક અંગે પણ જાગૃતિ વધે તેવા પ્રયાસ હાથ ધરવા જોઈએ. સ્ટ્રોક અંગે જાણકારીનો હજુ અભાવ જોવા મળે છે. સ્ટ્રોક આવે તો તેમાં પ્રથમ 3 કલાક ખૂબ જ મહત્વના છે. જો દર્દીને સમયસર હોસ્પિટલ પહોંચાડવામાં આવે તો તેની સાજા થવાની સંભાવના વધી જાય છે. હાલ યુવાનોમાં સ્ટ્રોકના કેસમાં જે વધારો થયો છે તેના માટે હાઈ બ્લડપ્રેશર, બેઠાડુ જીવન, હાઇપર ટેન્શન, મેદસ્વીપણું જેવા વિવિધ પરિબળો જવાબદાર છે.

સ્ટ્રોકના લક્ષણો
મોંઢું, હાથ અને પગ અચાનક ખોટા પડી જવા.
બોલવામાં સમસ્યા.
મોઢું વાંકુ થઇ જવું.
શરીરમાં એક પ્રકારના લકવા જેવા લક્ષણો.
દ્રષ્ટિમાં અચાનક જ ઝાંખપ આવવા લાગવી.
હાથ-પગમાં નબળાઈ આવવી.

એઇમ્સના અહેવાલ પ્રમાણે ભારતમાં દર ચાર મિનિટે એક વ્યક્તિનું સ્ટ્રોકથી મૃત્યું થાય છે. ભારતમાં દર વર્ષે બે લાખથી વધુ લોકો સ્ટ્રોકનો શિકાર બને છે. વિશ્વમાં સ્ટ્રોકના જે કેસ નોંધાય છે તેમાંથી 68.60 ટકા માત્ર ભારતમાંથી હોવાનું ગ્લોબલ બર્ડન ડિસીઝ રિપોર્ટમાં સામે આવ્યું છે. ભારતમાં હવે 20 વર્ષથી ઓછી ઉંમરના વયમાં પણ સ્ટ્રોક જોવા મળે છે.