જમ્મુ અને કાશ્મીરના ભૂતપૂર્વ મંત્રી તાજ મોહિઉદ્દીને શનિવારે ગુલામ નબી આઝાદના નેતૃત્વવાળી પાર્ટી ‘DPAP’માંથી રાજીનામું આપવાની જાહેરાત કરી હતી. તેમણે ફરી કોંગ્રેસમાં જોડાવા માટે આ પગલું ભર્યું છે.
તાજ મોહિઉદ્દીને કહ્યું કે, “મેં ડેમોક્રેટિક પ્રોગ્રેસિવ આઝાદ પાર્ટી (DPAP) માંથી રાજીનામું આપ્યું છે,” મોહિઉદ્દીને ફોન પર પીટીઆઈને જણાવ્યું. તેમણે કહ્યું કે તેઓ કોંગ્રેસ સાથે ચાર દાયકાથી વધુ સમયથી જોડાયેલા છે અને થોડા દિવસોમાં ફરી કોંગ્રેસમાં જોડાશે.
તાજ મોહિઉદ્દીને કહ્યું, ‘હું ઘરે પરત ફરવાનો ઇરાદો રાખું છું, પરંતુ જ્યાં સુધી હું મારા કાર્યકરોને પૂછું નહીં ત્યાં સુધી આમ કરવાનો પ્રશ્ન જ ઊભો થતો નથી. હવે મારા કાર્યકરોએ સર્વાનુમતે મને આમ કરવા કહ્યું છે. તેથી હું બહુ જલ્દી ‘ઘરે પરત’ આવીશ. DPAP છોડવાના કારણો વિશે પૂછવામાં આવતા, મોહિઉદ્દીને કહ્યું કે તેઓ લગભગ 45 વર્ષથી કોંગ્રેસ સાથે છે. તેમના કાર્યકરો તેમને આ જૂની પાર્ટી અને તેના પ્રતીક સાથે જ જોડે છે.
મોહિઉદ્દીન ઉરી વિધાનસભા ક્ષેત્રના ધારાસભ્ય હતા
પૂર્વ મંત્રી તાજ મોહિઉદ્દીને કહ્યું, ‘મારા કાર્યકરોએ મને કોંગ્રેસમાં ફરી જોડાવા કહ્યું, તેથી મેં DPAP છોડીને કોંગ્રેસમાં ફરી જોડાવાનું નક્કી કર્યું.’ મોહિઉદ્દીન ઉત્તર કાશ્મીરના બારામુલ્લા જિલ્લાના ઉરી વિધાનસભા ક્ષેત્રના ધારાસભ્ય રહી ચૂક્યા છે. તેમણે આઝાદના સમર્થનમાં ઓગસ્ટ 2022માં કોંગ્રેસમાંથી રાજીનામું આપ્યું હતું. આ પછી તેઓ આઝાદના નેતૃત્વવાળી પાર્ટીમાં જોડાયા.