જસદણ: ગોખલાણા ગામે 400થી વધુ લોકોને ફૂડ પોઈઝનિંગની અસર, વાંચો સમગ્ર ઘટના…

હાલ ઉનાળો ચાલી રહ્યો છે જેમાં અનેક વાર તાપમાનનો પારો વધી જતા લોકોને ફૂડ પોઈઝનીગની અસર થતી હોય છે ત્યારે છેલ્લા ઘણા સમયથી રાજ્યમાં પણ ફૂડ પોઈઝનિંગ લોકોને કોઈ પ્રસંગમાં થયું હોય તેવી અનેક ઘટના સામે આવતી હોય છે ત્યારે આજે રાજકોટના જસદણમાં ફૂડ પોઈઝનિંગની ઘટના સામે આવી હતી જેમાં અનેક લોકોને અસર થઈ હતી.

જસદણ તાલુકાના ગોખલાણા ગામે સોમવારે સાંજે માતાજીનાં માંડવાનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં માંડવામાં પ્રસાદ લીધા બાદ બાળકો સહિત 400થી વધુ લોકોને ફૂડ પોઈઝનિંગની અસર થતા તાત્કાલિક સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. એક સાથે આટલા લોકોને ફૂડ પોઈઝનિંગની અસર થતા તંત્ર પણ દોડતું થયુ હતું.

આ ઘટના સામે આવ્યા બાદ 108 તરત જ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી. અસરગ્રસ્ત લોકોને જસદણ સીવીલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા ત્યારે કેટલાક લોકોને ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.