ગાઝાની પરિસ્થિતિને લઈ ઈરફાન પઠાણ મેદાને, જાણો શું કહ્યું

દુનિયાભરમાં હાલ ઈઝરાઈલ અને ગાઝાની ચર્ચાઓ ચાલી રહી છે. બીજી તરફ સૌથી ખતરનાક યુદ્ધ ચાલી રહ્યું છે. હમાસ દ્વારા કરવામાં આવેલા હુમલા બાદ ઇઝરાયેલે આ આતંકવાદી સંગઠનનો સફાયો કરવા માટે એક અભિયાન શરૂ કર્યું છે અને દરેક સંભવિત રીતે ગાઝા પટ્ટી પર ભારે બોમ્બમારો કરી રહ્યું છે. હજારો લોકોએ આ યુદ્ધમાંજીવ ગુમાવ્યા છે. તેને રોકવા માટે વિશ્વભરમાંથી માંગ ઉઠી રહી છે. આ અંગે દુનિયાભરના સ્પોર્ટ્સ જગતમાંથી પણ અવાજ ઉઠાવવામાં આવી રહ્યો છે. હવે પૂર્વ ભારતીય ક્રિકેટર ઈરફાન પઠાણે પણ માસૂમ પેલેસ્ટાઈન બાળકોની હત્યા સામે અવાજ ઉઠાવ્યો છે.

ઈરફાન પઠાણ હાલમાં ભારતમાં રમાઈ રહેલા ODI વર્લ્ડ કપમાં કોમેન્ટ્રી કરી રહ્યો છે. ક્રિકેટ મેચો પર કોમેન્ટ કરનાર પઠાણ ઘણીવાર અલગ-અલગ મુદ્દાઓ પર પણ પોતાનો અભિપ્રાય વ્યક્ત કરે છે. આવી સ્થિતિમાં, તેમણે ગાઝા પટ્ટીમાં તબાહી અને નાના બાળકોની હત્યા પર પણ પોતાનું મૌન તોડ્યું. ઈરફાને શુક્રવાર, 3 નવેમ્બરના રોજ એક ટ્વીટ કર્યું, જેમાં તેણે વિશ્વ નેતાઓને આ પર પ્રતિબંધ મૂકવાની માંગ કરી.

ભૂતપૂર્વ ભારતીય ઓલરાઉન્ડરે પોતાના ટ્વિટમાં લખ્યું છે કે ગાઝામાં 0-10 વર્ષની વયના માસૂમ બાળકો દરરોજ પોતાનો જીવ ગુમાવી રહ્યા છે અને દુનિયા ચુપ બેઠી છે. ઈરફાને વધુમાં કહ્યું કે એક ખેલાડી તરીકે તે માત્ર પોતાનો અવાજ ઉઠાવી શકે છે પરંતુ હવે સમય આવી ગયો છે કે વિશ્વભરના રાજકારણીઓ એકજુટ થઈને આ અણસમજુ હત્યાઓને રોકે.

હજારો લોકો પામ્યા મૃત્યુ
ગાઝા પર ઈઝરાયેલનો હુમલો 3 અઠવાડિયાથી વધુ સમયથી ચાલી રહ્યો છે. ઇઝરાયેલી સંરક્ષણ દળે શરૂઆતમાં હમાસના સ્થાનોને નિશાન બનાવવા માટે ફાઇટર પ્લેન અને ડ્રોનની મદદથી અંધાધૂંધ હવાઈ હુમલા કર્યા હતા. છેલ્લા કેટલાક દિવસોથી ત્યાંની સેનાએ પણ જમીની હુમલા શરૂ કર્યા છે. આટલું જ નહીં, ઈઝરાયેલની સેનાએ 2-3 વખત અલગ-અલગ શરણાર્થી શિબિરોને પણ નિશાન બનાવી છે. સમગ્ર ગાઝા પટ્ટીમાં અત્યાર સુધીમાં 9000થી વધુ લોકોના મોત થયા છે, જેમાં સેંકડો મહિલાઓ અને બાળકોનો સમાવેશ થાય છે.