જાણો શું છે લેટરલ એન્ટ્રી, કેમ થઈ રહ્યો છે વિવાદ… જાણો A to Z
UPSC દ્વારા 17 ઓગસ્ટના રોજ લેટરલ એન્ટ્રી મારફતે 45 જગ્યાઓ માટે ભરતી બહાર પાડવામાં આવી હતી. જેમાં જોઈન્ટ સેક્રેટરી, ડેપ્યુટી સેક્રેટરી અને ડિરેક્ટર લેવેલની જગ્યાઓનો સમાવેશ થાય છે. જેને લઈને વિપક્ષ દ્વારા આરોપ લગાવવામાં આવ્યો છે કે આ ભરતીઓ પર સરકાર પોતાના લોકોને લાવી રહી છે અને ST,SC અને OBC વર્ગનું આરક્ષણ છીનવી રહી છે.
લેટરલ એન્ટ્રી શું છે
આ જગ્યાઓ પર એવા લોકોની નિમણૂક કરવામાં આવે છે જેઓ IAS કે કોઈ પરંપરાગત કેડરમાંથી નથી આવતાં પરંતુ તેમની પાસે તેમના વ્યવસાયનો લાંબો અનુભવ છે. જેમાં ટેલિકોમ, મીડિયા, કૃષિ, શિક્ષણ, મહેસુલ કે ખનન જેવા ક્ષેત્રોના સમાવેશ થાય છે. જેમાં તેઓ જે-તે વ્યકિતના વ્યાવસાયિક અનુભવનો ઉપયોગ કરી શકે. આ પ્રકારની જગ્યાઓ માટે સરકાર કેડરમાંથી આવતા લોકોની સરખામણીમાં જેમને વ્યવસાય ચલાવવાનો અનુભવ હોય તેવા લોકોને રાખે છે. જેમાં મિડ લેવેલથી લઈને સીનિયર લેવેલ સુધીના ઓફિસરોની સીધી ભરતી દ્વારા નિમણૂક કરવામાં આવે છે.લેટરલ એન્ટ્રી માટે જે -તે જગ્યા અનુસાર જોઈન્ટ સેક્રેટરીના પદ માટે 15 વર્ષ, ડાયરેક્ટર માટે 10 વર્ષ અને ડેપ્યુટી સેક્રેટરી માટે 7 વર્ષનો અનુભવ અને શૈક્ષણિક લાયકાત જરૂરી હોય છે. જો- તે સમયાંતરે ફેરફાર થતાં રહે છે. જો કે આમાં અનામતનો કોઈ ફાયદો મળતો નથી.
લેટરલ એન્ટ્રીની શરૂઆત કોણે કરી
લેટરલ એન્ટ્રી માટે સામાન્ય રીતે 3થી 5 વર્ષ માટે ઓફિસરોની નિમણૂક કરવામાં આવે છે. અને જો જરૂર જણાય તો તેનો કાર્યકાળ વધારવામાં પણ આવે છે. ઔપચારિક રીતે આ ભરતીની શરૂઆત કોઈ નામ આપ્યા વિના વડાપ્રધાન નરેન્દ્ર મોદીના કાર્યકાળમાં 2018માં શરૂ કરવામાં આવી હતી.જો કે કેન્દ્રીયમંત્રી અશ્વિની વૈષ્ણવે જણાવ્યું કે લેટરલ એન્ટ્રીનો કોન્સેપ્ટ UPA સરકારમાં આવ્યો હતો. બીજું વહીવટી સુધારણા પંચ(ARC) 2005માં UPA સરકાર લાવી. જેના અધ્યક્ષ વીરપ્પા મોઈલી હતા. આ કમિશન દ્વારા ભલામણ કરવામાં આવી હતી કે કેટલીક પોસ્ટ માટે પોતાના ફિલ્ડના વિશેષજ્ઞ વ્યક્તિની જરૂર છે. જેમની નિમણૂક માટે લેટરલ એન્ટ્રીનો કોન્સેપ્ટ લાવવામાં આવે.
UPSC કઈ રીતે ‘લેટરલ એન્ટ્રી’ માટેની ભરતી કરે છે?
UPSC એ કેન્દ્રના વિવિધ મંત્રાલયોમાં 45 જગ્યાઓ માટે જાહેરાત બહાર પાડી છે, જેમાં 10 ને જોઈન્ટ સેક્રેટરી અને 35 ને ડાયરેક્ટર/ડેપ્યુટી સેક્રેટરીના પદ પર 45 નિષ્ણાતોની નિમણૂક માટે જાહેરાત આપવામાં આવી છે. સામાન્ય રીતે આ ઉચ્ચ હોદાઓ અખિલ ભારતીય સેવાઓ જેવી કે ભારતીય વહીવટી સેવા (IAS), ભારતીય પોલીસ સેવા (IPS) અને ભારતીય વન સેવા (IFOS), અને અન્ય ‘ગ્રૂપ A’ સેવાઓના અધિકારીઓની નિમણૂક કરવામાં આવે છે. હવે આ જગ્યાઓને કરારના આધારે ત્રણ વર્ષના(પ્રદર્શનના આધારે પાંચ વર્ષ સુધી વધારી શકાય) સમયગાળા માટે ભરવામાં આવશે.
લેટરલ એન્ટ્રી માટે કોણ આવેદન કરી શકે અને પગાર કેટલો આપવામાં આવે છે?
ડિરેક્ટર કક્ષાની પોસ્ટ માટે લઘુતમ ઉંમર 35 વર્ષ અને મહત્તમ ઉંમર 45 વર્ષ રાખવામાં આવી છે. પસંદ કરાયેલા ઉમેદવારોને અંદાજે રૂ. 2.32 લાખનો પગાર મળશે. ડેપ્યુટી સેક્રેટરી સુધીના સ્તર માટે, લઘુતમ ઉંમર 32 વર્ષ અને મહત્તમ 40 વર્ષની ઉંમર ધરાવતા ઉમેદવારો અરજી કરવા પાત્ર છે. આ સ્તર માટે અંદાજે 1.52 લાખનો કુલ પગાર નક્કી કરવામાં આવ્યો છે. જોઈન્ટ સેક્રેટરી સ્તરના પદ માટે લઘુતમ અને મહત્તમ વય મર્યાદા 40 અને 55 વર્ષ છે. મોંઘવારી ભથ્થું, પરિવહન અને મકાન ભાડાના ભથ્થા સહિત અંદાજિત કુલ પગાર આશરે રૂ. 2.7 લાખ આપવામાં આવે છે.