ગુજરાત વિધાનસભા વિરોધપક્ષના નેતાશ્રી પરેશ ધાનાણી(paresh dhanani)એ આજરોજ માનનીય મુખ્‍યમંત્રીશ્રીને પત્ર લખી બાગાયતી પાક નાળિયેર તથા નાળિયેરીને તૌકતે વાવાઝોડાના કારણે થયેલ નુકશાનીનું વળતર સત્‍વરે ચૂકવવા માંગણી કરી હતી.

વિરોધપક્ષના નેતાશ્રી પરેશભાઈ ધાનાણીએ જણાવ્‍યું હતું કે, સૌરાષ્‍ટ્રના ગીર-સોમનાથ, જુનાગઢ, અમરેલી, ભાવનગર વગેરે જિલ્લાઓ તૌકતે વાવાઝોડાથી અતિશય પ્રભાવિત થયેલ છે અને આ જિલ્લાઓમાં અત્‍યંત તારાજી સર્જાઈ છે. આ વાવાઝોડાએ કૃષિ ક્ષેત્રે ખૂબ મોટો વિનાશ સર્જ્‍યો છે. આ તારાજીના કારણે ખેડૂતો પાયમાલ થઈ ગયા છે. ખેડૂતોના કૃષિ પાકો સાફ થઈ ગયા છે અને બાગાયતી પાક ઝાડ સહિત ૧૦૦% નાશ પામ્‍યા છે.

સરકારશ્રીના મહેસુલ વિભાગના તા. ૨૭-૪-૨૦૧૫ના સંકલિત ઠરાવથી કુદરતી આપત્તિઓના કારણે થતા માનવ મૃત્‍યુ, પશુ મૃત્‍યુ/ઈજા તેમજ સ્‍થાવર-જંગમ મિલ્‍કતને થતા નુકસાન માટે નાણાંકીય સહાય ચૂકવવાના ધોરણો નક્કી થયેલ છે. આ ધોરણોમાં કૃષિ સહાય અંગે પિયત/બિનપિયત જમીનો બે હેક્‍ટર અને બે હેક્‍ટરથી વધુ જમીન ધરાવતા ખેડૂતોને પ્રતિ હેક્‍ટર સહાય નક્કી કરેલ છે, જે દર વર્તમાન સંજોગોમાં અપૂરતા છે. સદર ઠરાવમાં નાળિયેર, કેરી સહિતના બાગાયતી પાકોનો સમાવેશ કરવામાં આવેલ નથી.

તૌકતે વાવાઝોડાને કારણે દરિયાકાંઠાના મોટાભાગના ખેડૂતો કે જે નાળિયેરના પાક પર નિર્ભર છે, તેવા ખેડૂતોનો નાળિયેરનો પાક ઝાડ સહિત ૧૦૦% નાશ પામેલ છે. દરિયાકાંઠા વિસ્‍તારોમાં ભારે પવનના કારણે મોટા પ્રમાણમાં નાળિયેરી પડી ગયેલ છે અને નાશ પામેલ છે, જેના કારણે ખેડૂતો આગામી પાંચ-દસ વર્ષ સુધી બેઠા થઈ શકશે નહીં અને આવા બાગાયતી પાક પર નભતા ખેડૂતો પાંચ-દસ વર્ષ સુધી નાળિયેરની આવક લઈ શકશે નહીં.

બાગાયતી પાક નાળિયેર અંગે ખેડૂતોને પ્રતિ નાળિયેરીના ઝાડ દીઠ નાળિયેરીના રોપ – રૂ. ૩૫૦, ખાતર-દવા-વાવેતર ખર્ચ – રૂ. ૧૫૦ તથા પાંચ વર્ષનો ઉછેર ખર્ચ રૂ. ૨,૫૦૦ મુજબ કુલ રૂ. ૩,૦૦૦ જેટલો પ્રતિ નાળિયેરી દીઠ ખર્ચ થાય છે. નાળિયેરીનું સરેરાશ આયુષ્‍ય અંદાજિત ૫૦થી ૧૦૦ વર્ષનું ગણાય, પરંતુ સરેરાશ ૧૦ વર્ષ પછી નાળિયેરી દીઠ પ્રતિ વર્ષ નાળિયેરની ઉપજ સરેરાશ ૧૫૦ નંગ જેટલી થાય છે અને રૂ. ૨૦ પ્રતિ નંગની વેચાણ કિંમત ગણતાં પ્રતિ વર્ષ એક નાળિયેરી દીઠ કુલ રૂ. ૩,૦૦૦ કમાણી થતી હોય છે. નાળિયેરીના વાવણી અને નિભાવણી ખર્ચના રૂ. ૩,૦૦૦ તેમજ સરેરાશ ૧૦ વર્ષની ઉપજ નુકશાનીના રૂ. ૩૦,૦૦૦ મુજબ કુલ રૂ. ૩૩,૦૦૦ પ્રતિ નાળિયેરી લેખે ખેડૂતોને થયેલ નુકસાન અન્‍વયે સહાય ચૂકવવાની થાય. બાગાયતી પાક નાળિયેર અને નાળિયેરીને થયેલ નુકસાનનો યુદ્ધના ધોરણે સર્વે કરાવી, બાગાયતી પાક નાળિયેર પર નભતા ખેડૂતોના હિતમાં યોગ્‍ય નિર્ણય કરી, સૂચવ્‍યા મુજબનું વળતર સમયમર્યાદામાં ચૂકવવા વિરોધપક્ષના નેતાશ્રી પરેશભાઈ ધાનાણીએ રાજ્‍ય સરકાર સમક્ષ માંગણી કરી હતી.