લદ્દાખના રસ્તાઓ પર છેલ્લા ઘણા દિવસોથી યુવાનોની ભીડ સરકાર વિરુદ્ધ વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે, જેણે હવે હિંસક સ્વરૂપ લઈ લીધું છે. લેહમાં સોમવારે એક મોટો વિરોધ પ્રદર્શને અચાનક હિંસક બન્યું અને પરિસ્થિતિ વધુ વણસી ગઈ છે.વિદ્યાર્થીઓ અને સ્થાનિક લોકોએ કેન્દ્ર સરકાર અને વહીવટીતંત્ર સામે હડતાળનું એલાન આપ્યું હતું. પરંતુ, આ શાંતિપૂર્ણ પ્રદર્શન અચાનક બેકાબુ થઈ ગયું અને પોલીસ સાથે અથડામણ થઈ, જેના કારણે તણાવ ફેલાયો.વિદ્યાર્થીઓની પોલીસ અને સુરક્ષા દળો સાથે અથડામણ થઈ હતી, જેમાં ચાર લોકો માર્યા ગયા હતા અને 70થી વધુ લોકો ઘાયલ થયા હતા.

વિદ્યાર્થીઓ અને સ્થાનિક લોકોએ કેન્દ્ર સરકાર અને વહીવટીતંત્ર સામે હડતાળનું એલાન આપ્યું હતું. પરંતુ, આ શાંતિપૂર્ણ પ્રદર્શન અચાનક બેકાબુ થઈ ગયું અને પોલીસ સાથે અથડામણ થઈ, જેના કારણે તણાવ ફેલાયો.આ દરમિયાન ગુસ્સે ભરાયેલા ટોળાએ CRPFની ગાડીઓ, પોલીસ વાન અને અન્ય ઘણા વાહનોને આગ ચાંપી દીધી. આટલું જ નહીં, ટોળાએ ભાજપ કાર્યાલય પર પણ હુમલો કર્યો અને આગ લગાવી દીધી. સોશિયલ મીડિયા પર સામે આવ્યા વીડિયોમાં ભાજપ કાર્યાલયમાંથી ધુમાડો નીકળતો સ્પષ્ટ દેખાય છે.

માંગ શું છે?
લદ્દાખમાં આ વિરોધ પ્રદર્શન લદ્દાખને રાજ્યનો દરજ્જો આપવાની અને તેને બંધારણની છઠ્ઠી અનુસૂચિમાં સમાવેશ કરવાની માંગને લઈને વધુ તીવ્ર બન્યું છે. આ આંદોલનનું નેતૃત્વ લેહ એપેક્સ બોડી કરી રહી છે. તેના યુથ યુનિટે પ્રદર્શન અને બંધનું એલાન આપ્યું હતું, ખાસ કરીને 35 દિવસથી ભૂખ હડતાળ પર રહેલા 15 લોકોમાંથી બેની તબિયત બગડ્યા બાદ અને તેમને હોસ્પિટલમાં દાખલ કરવા પડ્યા બાદ.આ માગણીઓ અંગે આગામી બેઠક 6 ઓક્ટોબરે દિલ્હીમાં યોજાશે. 2019માં કલમ 370 અને 35A હટાવવામાં આવી ત્યારે જમ્મુ-કાશ્મીર અને લદ્દાખને બે કેન્દ્રશાસિત પ્રદેશો બનાવવામાં આવ્યા હતા. એ સમયે સરકારે રાજ્યમાં પરિસ્થિતિ સામાન્ય થયા પછી પૂર્ણ રાજ્યનો દરજ્જો પુનઃસ્થાપિત કરવાનું વચન આપ્યું હતું.

હિંસા બાદ સોનમ વાંગચુકે શું કહ્યું?
સોનમ વાંગચુકનું કહેવું છે કે, “ભાજપે વચન આપ્યું હતું કે, લદ્દાખને છઠ્ઠી અનુસૂચિમાં સામેલ કરવામાં આવશે, પરંતુ પાંચ વર્ષ પછી પણ આ વચન અધૂરું રહ્યું છે.” તેમનું કહેવું છે કે, “બંધારણ બે વર્ષમાં બની ગયું હતું, પરંતુ અમારી માંગણીઓ પર અત્યાર સુધી સંપૂર્ણ ચર્ચા પણ થઈ નથી. લોકોની ધીરજ ખૂટી રહી છે અને અમે નથી ઇચ્છતા કે આનાથી ભારતની છબી ખરાબ થાય.”

આ દરમિયાન કેન્દ્ર સરકારે લદ્દાખમાં વધી રહેલા ગુસ્સાના જવાબમાં વાતચીતની જાહેરાત કરી છે. ગૃહ મંત્રાલયે જણાવ્યું છે કે, 6 ઓક્ટોબરે લદ્દાખી પ્રતિનિધિઓ સાથે આગામી રાઉન્ડની વાતચીત થશે. જો કે, વાતચીતની માંગણીને લઈ 6 ઓક્ટોબરે લેહમાં સંપૂર્ણ બંધનું એલાન આપવામાં આવ્યું છે. જ્યારે આજે લદ્દાખના અલગ-અલગ વિસ્તારોમાંથી હજારો લોકો ભૂખ હડતાળમાં જોડાયા હતા. લેહમાં ભાજપ કાર્યાલય અને કાઉન્સિલ સચિવાલય નજીક પ્રદર્શનકારીઓ અને સુરક્ષા દળો વચ્ચે તણાવ વધી ગયો, ત્યાં સુધી કે કેટલીક જગ્યાએ આગચંપીની ઘટનાઓ પણ બની. આ દરમિયાન સોનમ વાંગચુકે પોતાની ભૂખ હડતાળ સમાપ્ત કરવાની જાહેરાત કરી.

લેહ જિલ્લા વહીવટીતંત્રે જિલ્લામાં ભારતીય દંડ સંહિતા (IPC)ની કલમ 163 લાગુ કરીને એક મોટું પગલું ભર્યું છે. આ હેઠળ, પાંચ કે તેથી વધુ લોકોના મેળાવડા પર પ્રતિબંધ છે. પૂર્વ પરવાનગી વિના કોઈપણ સરઘસ, રેલી અથવા કૂચને મંજૂરી આપવામાં આવશે નહીં.આદેશમાં સ્પષ્ટપણે જણાવાયું છે કે કોઈપણ વ્યક્તિ એવું કોઈ નિવેદન નહીં આપે જે શાંતિને ખલેલ પહોંચાડી શકે અથવા કાયદો અને વ્યવસ્થાની સમસ્યા ઊભી કરી શકે. વહીવટીતંત્ર જણાવે છે કે આ નિર્ણય વિસ્તારમાં શાંતિ જાળવવા અને પરિસ્થિતિને વધુ ખરાબ થતી અટકાવવા માટે લેવામાં આવ્યો છે.