રાજકોટ: શહેરમાં મહાશિવરાત્રીના પવિત્ર પર્વની આસ્થાભેર અને ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. ‘હર હર મહાદેવ’ અને ‘નમઃ શિવાય’ ના ગુંજતા નાદ વચ્ચે સમસ્ત બ્રહ્મ સમાજ દ્વારા સર્વજ્ઞાતિ લઘુરુદ્ર પાઠનું આયોજન કરી સામાજિક સમરસતાનો અનોખો સંદેશ આપવામાં આવ્યો હતો.
નંદવાણા બોર્ડિંગ ખાતે ભક્તોનું ઘોડાપૂર…
રાજકોટના નંદવાણા બોર્ડિંગ ખાતે વહેલી સવારથી જ શિવભક્તોનો ઘોડાપૂર ઉમટી પડ્યો હતો. શાસ્ત્રોક્ત વિધિ-વિધાન સાથે મહાદેવની આરાધના કરવામાં આવી હતી. સમગ્ર પરિસર ભક્તિમય વાતાવરણથી ગુંજી ઉઠ્યું હતું.
સર્વજ્ઞાતિ ભાગીદારીથી એકતાનો સંદેશ
આ આયોજનની વિશેષતા એ રહી કે માત્ર બ્રહ્મ સમાજ જ નહીં, પરંતુ વિવિધ જ્ઞાતિના આગેવાનો અને પ્રતિષ્ઠિત નાગરિકોએ ઉપસ્થિત રહીને મહાદેવનું પૂજન-અર્ચન કર્યું હતું. સર્વજ્ઞાતિ લઘુરુદ્ર પાઠ દ્વારા સમાજમાં એકતા, ભાઈચારો અને સમરસતાનો સંદેશ પ્રસરી ગયો હતો.
દર વર્ષે થાય છે આયોજન
સમસ્ત બ્રહ્મ સમાજના પ્રમુખ દર્શિતભાઈ જાનીએ જણાવ્યું હતું કે,
“બ્રહ્મ સમાજ દ્વારા દર વર્ષે મહાશિવરાત્રી નિમિત્તે સર્વજ્ઞાતિ લઘુરુદ્ર પાઠનું આયોજન કરવામાં આવે છે. આ વર્ષે પણ નંદવાણા બોર્ડિંગ ખાતે સવારથી પૂજન શરૂ થયું હતું અને બપોરે તમામ શ્રદ્ધાળુઓ માટે ફરાળની સુંદર વ્યવસ્થા કરવામાં આવી હતી.”
ભક્તિમય માહોલમાં પૂર્ણાહુતિ
મહાશિવરાત્રીના પવિત્ર દિવસે યોજાયેલ આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ જોડાયા હતા. ભક્તિમય વાતાવરણ વચ્ચે મહાદેવની આરાધનાથી શહેરમાં આધ્યાત્મિક ઉર્જાનો માહોલ સર્જાયો હતો.







