મુંબઈ પોલીસે મહાદેવ સટ્ટાબાજી એપ કેસમાં મોટી કાર્યવાહી કરી છે. 15,000 કરોડના આ કૌભાંડમાં કથિત સંડોવણી બદલ અભિનેતા સાહિલ ખાનની અટકાયત કરવામાં આવી છે. ગયા ગુરુવારે પણ SITએ આ કેસમાં તેમની છ કલાક પૂછપરછ કરી હતી. ધરપકડ ટાળવા સાહિલ ખાને બોમ્બે હાઈકોર્ટનો સંપર્ક કર્યો હતો, પરંતુ તેની આગોતરા જામીન અરજી ફગાવી દેવામાં આવી હતી.

મુંબઈ સાયબર સેલની વિશેષ તપાસ ટીમે મહાદેવ સટ્ટાબાજી એપ કેસમાં અભિનેતા સાહિલ ખાનની છત્તીસગઢથી અટકાયત કરી છે. એક અધિકારીએ આ માહિતી આપી. અધિકારીએ જણાવ્યું હતું કે બોમ્બે હાઈકોર્ટે તેની આગોતરા જામીન અરજી ફગાવી દીધી હતી, ત્યારબાદ તેને શનિવારે છત્તીસગઢના જગદલપુરથી કસ્ટડીમાં લેવામાં આવ્યો હતો.

સ્પેશિયલ ઇન્વેસ્ટિગેશન ટીમ (SIT)એ ગયા ગુરુવારે આ કેસમાં સાહિલ ખાનનીછ કલાક પૂછપરછકરી હતી. અધિકારીએ જણાવ્યું હતું કે સાહિલ ખાન કોર્ટના આદેશ મુજબ ગુરુવારે બપોરે લગભગ 1 વાગ્યે SIT સમક્ષ હાજર થયો હતો અને તેનું નિવેદન નોંધીને સાંજે 5.30 વાગ્યે ચાલ્યો ગયો હતો. સાહિલ ખાને દાવો કર્યો હતો કે આ કેસમાં તેની કોઈ ભૂમિકા નથી.

એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED) મહાદેવ સટ્ટાબાજી એપ કેસની તપાસ કરી રહી છે, જ્યારે મુંબઈ પોલીસે 32 લોકો વિરુદ્ધ અલગથી કેસ નોંધ્યો છે. આ કેસની તપાસ માટે મુંબઈ ક્રાઈમ બ્રાન્ચે SITની રચના કરી છે. SIT વિવાદાસ્પદ મહાદેવ સટ્ટાબાજી એપ્લિકેશનના પ્રમોટરો અને રાજ્યની કેટલીક નાણાકીય અને રિયલ એસ્ટેટ કંપનીઓ વચ્ચેના કથિત ગેરકાયદેસર વ્યવહારોની તપાસ કરી રહી છે.

15,000 કરોડનું કૌભાંડ
આ મામલામાં પોલીસે નોંધેલી એફઆઈઆર મુજબ આ કૌભાંડ લગભગ 15,000 કરોડ રૂપિયાનું છે. પોલીસે કહ્યું કે ખાન અને અન્ય 31 વ્યક્તિઓ વિરુદ્ધ તપાસ ચાલી રહી છે, જેના હેઠળ તેમના બેંક ખાતા, મોબાઈલ ફોન, લેપટોપ અને અન્ય તકનીકી ઉપકરણોની તપાસ કરવામાં આવી રહી છે. અધિકારીએ કહ્યું કે આ કેસમાં અત્યાર સુધીમાં એક વ્યક્તિની ધરપકડ કરવામાં આવી છે અને તપાસ ચાલુ છે. ‘સ્ટાઈલ’ અને ‘એક્સક્યુઝ મી’ જેવી ફિલ્મોમાં કામ કરી ચૂકેલ સાહિલ ખાન ફિટનેસ એક્સપર્ટ છે.