રશિયા સામે મેટાની મોટી કાર્યવાહી, RT સહિત અનેક સરકારી મીડિયા હાઉસ પર મૂક્યો પ્રતિબંધ પ્રતિબંધ

ફેસબુક અને ઇન્સ્ટાગ્રામની પેરેન્ટ કંપની મેટાએ તેના તમામ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પરથી રશિયન મીડિયા પર પ્રતિબંધ મૂક્યો છે. મેટાએ જાહેરાત કરી કે તેણે કથિત ‘વિદેશી હસ્તક્ષેપ’ પ્રવૃત્તિઓને કારણે રશિયન રાજ્ય મીડિયા RT ન્યૂઝ અને અન્ય ક્રેમલિન-નિયંત્રિત નેટવર્ક પર પ્રતિબંધ મૂક્યો છે. મેટાએ આક્ષેપ કર્યો હતો કે રશિયન મીડિયાએ તેમના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર ઓળખ ટાળીને પ્રભાવની કામગીરી ચલાવવા માટે ભ્રામક યુક્તિઓનો ઉપયોગ કર્યો છે.

મેટાએ એક નિવેદનમાં જણાવ્યું હતું કે, “સાવધાનીપૂર્વક વિચારણા કર્યા પછી, અમે રશિયન રાજ્ય મીડિયા આઉટલેટ્સ સામે અમારા ચાલુ પ્રતિબંધોને વિસ્તૃત કર્યા છે.” Rossiya Segodnya, RT અને અન્ય સંબંધિત નેટવર્કને વિદેશી હસ્તક્ષેપ પ્રવૃત્તિ માટે વૈશ્વિક સ્તરે અમારી એપ્સમાંથી પ્રતિબંધિત કરવામાં આવ્યા છે.”

મેટાએ બીજી વખત આ પગલું ભર્યું છે, આ પહેલા 2022માં રશિયાએ યુક્રેન પર હુમલો કર્યા બાદ રશિયા દ્વારા ફેલાતી ખોટી માહિતીને રોકવા માટે મેટાએ રશિયન નેટવર્કને મર્યાદિત કરી દીધું હતું. મેટાએ રશિયન સરકાર સાથે સંબંધિત એજન્ડા ચલાવતી પોસ્ટ્સ અને એકાઉન્ટ્સને હટાવી લીધા હતા અને ડિમોનેટાઇઝ કરી દીધા હતા.

મેટામાં ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, થ્રેડ, વોટ્સએપનો સમાવેશ થાય છે. પ્રતિબંધ પહેલા, RTના ફેસબુક પર 7 મિલિયનથી વધુ ફોલોઅર્સ હતા, જ્યારે તેના Instagram એકાઉન્ટમાં 10 લાખથી વધુ ફોલોઅર્સ છે.

અમેરિકાએ પણ પ્રતિબંધો લગાવ્યા

અમેરિકામાં ગયા અઠવાડિયે, યુએસ સ્ટેટ સેક્રેટરી એન્ટોની બ્લિંકને RT વિરુદ્ધ નવા પ્રતિબંધો લાદ્યા હતા અને તેને રશિયાની ગુપ્તચર એજન્સી સાથે જોડવાનો આરોપ લગાવ્યો હતો. બ્લિંકને શુક્રવારે મીડિયાને જણાવ્યું હતું કે આરટી એ રશિયા સમર્થિત મીડિયા આઉટલેટ્સના નેટવર્કનો એક ભાગ છે જેણે ગુપ્ત રીતે અમેરિકામાં લોકશાહીને નબળી પાડવાનો પ્રયાસ કર્યો છે. આ સિવાય તેણે RT પર આરોપ લગાવ્યો કે રશિયા તેની મદદથી અમેરિકામાં સાયબર હુમલા કરી રહ્યું છે.બ્લિન્કેનના આરોપોને RT પર લાઇવ સ્ટ્રીમ કરવામાં આવ્યા હતા અને તેને અમેરિકાનું નવું કાવતરું ગણાવ્યું હતું.