ગુજરાત રાજ્યમાં વાહન અકસ્માતના કિસ્સામાં યોગ્ય કાર્યવાહીના અભાવે અણહક્કની વળતર અરજીઓ દાખલ થઇ રહી હોવાની ફરિયાદ વ્યાપક પ્રમાણમાં સરકાર સમક્ષ આવી રહી હતી. ગુજરાત હાઇકોર્ટે આ મુદ્દા ઉપર ગુજરાત સરકારને તપાસ માટેની ખાસ ટીમ ની રચના કરવાનો આદેશ પણ આપેલો. ગુજરાત સરકાર દ્વારા પોલીસ મહાનિરીક્ષકશ્રી સીઆઈડી ક્રાઈમ I ના વડપણ હેઠળ સ્પેશ્યલ ઇન્વેસ્ટીગેશન ટીમની રચના કરેલી.
તાજેતરમાં તપાસ માટેની આ ટીમના વડા મહાનિરીક્ષક શ્રી સુભાષ જી ત્રિવેદી સાથે ગો ડીજીટ ઇન્શ્યોરન્સ લી ના અધિકારી શ્રી શૌલભ શાહની ચર્ચા દરમ્યાન કેટલાક મુદ્દા ઉપર પ્રારંભથી જ સાવચેતી રાખીને તપાસ કરવા અને વાહન અકસ્માતની તપાસ સુદ્રઢ બનાવવાનો આગ્રહ સેવવામાં આવેલો. આ ચર્ચાના પરિપાક સ્વરૂપે ગુજરાત સરકાર દ્વારા વાહન અકસ્માતના કેસોમાં તપાસ અંગેની નીતિવિષયક માર્ગદર્શિકા જાહેર કરવામાં આવી છે. આ માર્ગદર્શિકા અનુસાર વાહન અકસ્માતમાં ભોગ બનનાર, અકસ્માતમાં સંડોવાયેલા વાહનના ચાલક-માલિક, બનાવ નજરે જોનાર સાહેદ તથા અન્ય સાહેદના મોબાઇલ નંબર પરથી તેમના બનાવ સ્થળ પરની હાજરીની ખરાઈ કરવામાં આવશે. તેમની અકસ્માત અગાઉથી તેમજ અકસ્માત સમય બાદની કૉલ ની વિગત પણ મેળવવામાં આવશે. વાહન અકસ્માતવાળા સ્થળથી નજીકમાં પ્રાપ્ય હોય તેવા સીસી ટીવી ફૂટેજ મેળવવાના રહેશે. માત્ર જાણવા જોગ એન્ટ્રીથી નોંધાતા વાહન અકસ્માત માટે પણ ઉપરોક્ત કાર્યવાહી ફરજીયાત બનાવવામાં આવી છે. આ કાર્યવાહી અકસ્માતમાં જે તે વાહનની ખરેખર સંડોવણી પુરવાર કરશે તેમજ જે તે વાહન ચાલકની બેદરકારીભર્યા અને ગફલતભર્યા કૃત્ય માટેની જવાબદારી નિશ્ચિત કરવામાં સહાયક સિદ્ધ થશે. અકસ્માતમાં ભોગ બનનારને ન્યાય મેળવવામાં પણ આ કાર્યવાહીથી સરળતા થશે.
માર્ગ અકસ્માતના કિસ્સામાં કેસો ચાલવામાં ખૂબ વાર લગતી હોય છે. આ કેસોમાં કેસની વિગતો સાથે પણ ચેડાં થતાં હોવાની ફરિયાદ પણ ઉઠવા પામી છે. જો આ નવી પદ્ધતિઑ અપનાવવામાં આવે તો આ તમામ કેસોમાં સરળતા તથા સત્યતા આવશે તેવું માનવમાં આવી રહ્યું છે. ઋષિ રૂપરેલિયા, પત્રકાર, બાબરા