અમરેલી: અમરેલી જિલ્લાના બગસરા વિસ્તારમાં એક ચકચાર મચાવતી હત્યાની ઘટના સામે આવી છે. માતા અને દીકરાએ મળીને પોતાના જ પતિ અને પુત્રના પિતાની ઢીમઢાળી કરીને હત્યા કરી હોવાની ઘટના સામે આવતા સમગ્ર વિસ્તારમાં સનસનાટી ફેલાઈ ગઈ છે.
પ્રાપ્ત માહિતી મુજબ, આ ઘટના બગસરાના ખેતમજુર અને વાડી વિસ્તારમાં બની હતી. ઘરેલુ ઝઘડાના કારણે ઉગ્ર વિવાદ સર્જાયો હતો, જે બાદ માતા અને દીકરાએ મળીને પતિ પર હુમલો કર્યો હતો. ગંભીર રીતે ઘાયલ થયેલા પતિનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું.

આ ઘટનામાં પત્નીને પણ ઇજાઓ પહોંચી હતી, જેને તાત્કાલિક અમરેલીની સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે રીફર કરવામાં આવી છે. જ્યારે મૃતકની લાશને પોસ્ટમોર્ટમ માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવી છે.
ઘટનાની જાણ થતા બગસરા પોલીસ તાત્કાલિક સ્થળ પર પહોંચી હતી અને મામલે વધુ તપાસ હાથ ધરી છે. પોલીસે હત્યાના કારણો, પરિવારિક વિવાદ અને અન્ય પાસાઓ અંગે તપાસ શરૂ કરી છે.

આ ઘટના બાદ સ્થાનિક લોકોમાં ભય અને આક્રોશ જોવા મળી રહ્યો છે. પોલીસ દ્વારા આરોપીઓ સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે તેવી ખાતરી આપવામાં આવી છે.
હાલ આ મામલે વધુ વિગતોની રાહ જોવાઈ રહી છે.