પહેલગામ આંતકવાદી હુમલા બાદ પાકિસ્તાન અને ભારત વચ્ચેના સંબંધોમાં તણાવ વધી રહ્યો છે. પાકિસ્તાનના પીએમ શાહબાજ શરીફે કહ્યું દરેક પ્રકારની તપાસ માટે તેઓ તૈયાર છે તો બીજી બાજુ બિલાવલ ભુટ્ટોએ ઝેર ઓક્યું છે. વિદેશમંત્રી બિલાવલ ભુટ્ટોએ ભારત વિરુદ્ધ ભડકાઉ ભાષણ આપ્યું છે. શુક્રવારે એક જાહેરસભાને સંબોધતાં તેમણે કહ્યું કે કાં તો આપણું પાણી સિંધુ નદીમાં વહેશે અથવા તેમનું લોહી વહેશે. સિંધુ નદી આપણી છે અને આપણી જ રહેશે.
પાકિસ્તાન પીપલ્સ પાર્ટી (પીપીપી)ના અધ્યક્ષ ભુટ્ટોએ કહ્યું હતું કે ભારતે પહેલગામ ઘટના માટે પાકિસ્તાનને દોષી ઠેરવ્યું. પોતાની નબળાઈઓ છુપાવવા અને પોતાના લોકોને મૂર્ખ બનાવવા માટે, મોદીએ ખોટા આરોપો લગાવ્યા છે અને સિંધુ જળ સંધિને એકપક્ષીય રીતે અટકાવી દીધી છે.ભુટ્ટોએ કહ્યું હતું કે દરેક પાકિસ્તાની સિંધુનો સંદેશ લેશે અને દુનિયાને કહેશે કે અમારી નદીની લૂંટ સ્વીકાર્ય નથી. દુશ્મનની નજર આપણા પાણી પર છે.બિલાવલે કહ્યું હતું કે તેઓ દેશના વડાપ્રધાન શહબાજ શરીફને આ વાતનો વિશ્વાસ અપાવવા ઇચ્છે છે કે અલગ રાજનીતિ દળ હોવાના કારણે ભલે તેમનાં મંતવ્યો અલગ હોય, પરંતુ સિંધુ જળ કરારના મુદ્દે તેઓ વડાપ્રધાન સાથે ઊભા છે.
બિલાવલ ભુટ્ટોની ભારતને ધમકી
આ સાથે બિલાવલ ભુટ્ટોએ કહ્યું હતું કે સિંધુ જળ સંધિ એક જ વારમાં તોડી નાખવી શક્ય નથી. અમને વિશ્વાસ નથી આવતો. અમારી જનતા આ સ્વીકારશે નહીં. હજારો વર્ષોથી અમે જ આ નદીના વારસદાર છીએ.બિલાવલે કહ્યું હતું કે ભારતની વસ્તી વધુ હોવાથી તેઓ પાણી કોની માલિકીનું છે એ નક્કી કરી શકતા નથી. પાકિસ્તાનના લોકો બહાદુર છે, અમે બહાદુરીથી લડીશું. સરહદો પર અમારી સેના દરેક હુમલાનો જવાબ આપવા માટે તૈયાર છે.
શરીફે કહ્યું દરેક તપાસમાં ભાગ લેવા તૈયાર
પાકિસ્તાન મિલિટરી એકેડેમીમાં પરેડને સંબોધતા વડાપ્રધાન શરીફે કહ્યું કે ભૂતકાળમાં પણ પાકિસ્તાન પર આવા હુમલાઓનો આરોપ મૂકવામાં આવ્યો છે. આ સંપૂર્ણપણે બંધ થવું જોઈએ. એક જવાબદાર દેશ તરીકે, પાકિસ્તાન કોઈપણ નિષ્પક્ષ અને પારદર્શક તપાસમાં ભાગ લેવા તૈયાર છે.
શરીફે કહ્યું કે ભારત દુનિયાને ગેરમાર્ગે દોરી રહ્યું છે. કોઈપણ વિશ્વસનીય તપાસ અને પુરાવા વિના, તે પાકિસ્તાન સામે ખોટા આરોપો લગાવીને દેશને બદનામ કરી રહ્યો છે.પીએમ શરીફે કહ્યું કે જો સિંધુ નદીનું પાણી ઘટાડવાનો કે વાળવાનો કોઈ પ્રયાસ કરવામાં આવશે તો તેનો સંપૂર્ણ તાકાતથી જવાબ આપવામાં આવશે. શરીફે કહ્યું કે પાકિસ્તાન માટે પાણી ખૂબ જ મહત્ત્વપૂર્ણ છે. આ અમારા 24 કરોડ લોકોના જીવનનો પ્રશ્ન છે. અમે તેને કોઈપણ કિંમતે સુરક્ષિત રાખીશું.
શાહબાઝે કહ્યું કે પાકિસ્તાન શાંતિ ઇચ્છે છે, પરંતુ આ ઇચ્છાને નબળાઈ ન ગણવી જોઈએ. તેમણે કહ્યું કે પાકિસ્તાનને બદનામ કરવામાં આવી રહ્યું છે. પાકિસ્તાનના સૈનિકો પોતાના દેશની રક્ષા માટે સંપૂર્ણ પણે તૈયાર છે. પહેલગામ હુમલા બાદ ભારતે તાજેતરમાં સિંધુ જળ સંધિ રદ કરવાની જાહેરાત કરી છે.