એક તરફ સમગ્ર ગુજરાતમાં રેમડેસિવિર ઈન્જેક્શનની અછત ઊભી થઈ છે ત્યારે બીજી તરફ ગુજરાત પ્રદેશ ભાજપના -પ્રમુખ સી.આર.પાટીલે સુરતમાં પાંચ હજાર ઇન્જેક્શનનું વિતરણ કર્યું હતું. અને તે ચર્ચાનો વિષય બન્યો હતો ત્યાર બાદ ભાજપ દ્વારા વહેંચાયેલાં ઇન્જેક્શન સામે કોંગ્રેસે અનેક સવાલ ઉઠાવી સાંસદ અને ભાજપ પ્રદેશ-પ્રમુખ સી.આર. પાટીલ સામે ફોજદારી ધારા ભંગ અને સરકાર જાહેરનામા ભંગ બદલ ગુનો નોંધવા માગ કરી હતી . ત્યારે આજે ગુજરાત વિધાનસભા ના વિરોધ પક્ષના નેતા પરેશ ધાનાણીએ રેમડેસિવિર ઈન્જેક્શનનું ખોટી રીતે વિતરણ કરવા અંગે ભાજપના પ્રમુખ સી.આર.પાટીલ વિરુદ્ધ હાઈકોર્ટમાં 36 પાનાની પિટિશન દાખલ કરી છે.
વિરોધપક્ષના નેતાએ કરેલી પિટિશન મા “ફાર્મસી એક્ટ 1949″ના સેકશન 42નો ભંગ થવાની રજૂઆત હાઇકોર્ટને કરવામાં આવી છે, જેમાં રજિસ્ટર ન થયેલી હોઇ એવી વ્યક્તિ દ્વારા વિતરણનો ઉલ્લેખ છે. આમાં ફાર્માસિસ્ટ સિવાય કોઈ અન્ય કોઇ વ્યકિત મેડિકલ પ્રેક્ટિશનર દ્વારા લખી આપવામાં આવેલા પ્રિસ્ક્રિપ્શન વગર કોઇ દવા આપી શકે નહીં. કાયદાની આ કલમનું ઉલ્લંધન થઇ રહ્યું છે. આ ઉપરાંત ફાર્મસી એકટ 1948ને ટાંકીને એવી રજૂઆત કરાઇ છે કે આ કલમનું ઉલ્લંઘન કરનારને છ મહિનાની કેદની સજાની જોગવાઈ છે.