નેપાળના કાઠમંડુ એરપોર્ટ પર ડોમેસ્ટિક પ્લેન ક્રેશ થયું છે. મળતી માહિતી મુજબ ટેક ઓફ દરમિયાન પ્લેનમાં આગ લાગી હતી. નેપાળના સ્થાનિક મીડિયા અહેવાલો અનુસાર, બુધવારે કાઠમંડુના ત્રિભુવન ઇન્ટરનેશનલ એરપોર્ટ (TIA) પર શૌર્ય એરલાઇન્સના વિમાનમાં આગ લાગી હતી. જણાવવામાં આવી રહ્યું છે કે પોખરા જતું પ્લેન ટેકઓફ દરમિયાન રનવેથી બહાર જવાને કારણે આ દુર્ઘટના થઈ હતી.

શૌર્ય એરલાઇન્સના વિમાન નંબર MP CRJ 200 એ રનવે 2 થી પોખરા માટે ઉડાન ભરી હતી, પરંતુ ટેક્નિકલ ખામીને કારણે, ટેકઓફ કર્યા પછી તરત જ એરક્રાફ્ટમાં આગ લાગી હતી અને ભારે ધુમાડા સાથે તે જમીન પર પડી ગયું હતું. અકસ્માત બાદ સમગ્ર એરપોર્ટ પર અફરાતફરી મચી ગઈ હતી. કહેવાય છે કે શૌર્ય વિમાનમાં કુલ 19 લોકો સવાર હતા. જેમાંથી 15ના મોત થયા છે, જ્યારે 4ને બચાવી લેવામાં આવ્યા છે. પ્લેન મેન્ટેનન્સ માટે પોખરા જઈ રહ્યું હતું, તેમાં તમામ એરલાઈન્સના કર્મચારીઓ હતા.

મળતી માહિતી મુજબ, કાઠમંડુ એરપોર્ટ પર ડોમેસ્ટિક એરલાઇન શૌર્યનું પ્લેન ટેકઓફ કરતી વખતે ક્રેશ થયું હતું, તેમાં 19 લોકો સવાર હતા. 37 વર્ષીય કેપ્ટન એમઆર શાક્યને કાટમાળમાંથી બચાવીને સારવાર માટે સિનમંગલની કેએમસી હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા. એરપોર્ટ પર ધુમાડાના ગાઢ વાદળો જોવા મળ્યા હતા.

પ્રત્યક્ષદર્શીઓનું કહેવું છે કે પ્લેન રનવેના દક્ષિણ છેડેથી (કોટેશ્વર તરફ) ટેકઓફ કરી રહ્યું હતું અને અચાનક પલટી ગયું અને પ્લેનની પાંખની ટોચ જમીન પર અથડાઈ અને તરત જ આગ લાગી ગઈ. આ પછી તે રનવેની પૂર્વ બાજુએ બુદ્ધ એર હેંગર અને રડાર સ્ટેશન વચ્ચેના ગેપમાં આવી ગયું.